ગીરના જંગલોમાં વન્યજીવો માટે ખાસ કવાયત હાથ ધરાઈ
ગીરમાં 167 કુદરતી અને 451 કૃત્રિમ પોઈન્ટમાં પાણીની વ્યવસ્થા
ભારત સરકાર દ્વારા સત્તાવાર રીતે ‘અભયારણ્ય’ તરીકે જાહેર કરાયું છે
હાલમાં ઉનાળાની શરૂઆત થતાં જ સૂર્યનારાયણ આકરા પાણીએ જોવા મળી રહ્યા છે. આ કાળઝાળ ગરમીની સીધી અસર માત્ર મનુષ્યો પર જ નહીં, પરંતુ પ્રકૃતિના ખોળે વસતા અબોલ જીવો પર પણ જોવા મળે છે. ખાસ કરીને એશિયાટિક સિંહોના ગઢ ગણાતા જૂનાગઢ જીલ્લામાં ગીર વિસ્તાર અને ગિરનાર જંગલમાં સિંહનો વસવાટ છે ત્યારે ગિરનાર જંગલમાં વસતા પ્રાણીઓ, પક્ષીઓ અને અન્ય સૂક્ષ્મ જીવોને આ આકરી ગરમીમાં પીવાનું પૂરતું પાણી મળી રહે તે માટે વન વિભાગ દ્વારા અત્યારથી જ યુદ્ધના ધોરણે આગોતરી વ્યવસ્થા કરવામાં આવી છે.
ગિરનારના પથરાળ અને કપરા ચઢાણ વાળા વિસ્તારોમાં વન્યપ્રાણીઓને પાણીની શોધમાં ભટકવું ન પડે અને માનવ વસાહત તરફ આવવું ન પડે તે હેતુથી વન વિભાગે એક સુવ્યવસ્થિત માળખું ઊભું કર્યું છે. ગિરનાર અભયારણ્યની ભૌગોલિક સ્થિતિ અને વન્યજીવોની વિવિધતા વિશે વાત કરતા ACF સુનિલ પ્રજાપતિએ જણાવ્યું હતું કે, ગિરનારની આસપાસનો જંગલ વિસ્તાર વર્ષ 2008માં ભારત સરકાર દ્વારા સત્તાવાર રીતે ‘અભયારણ્ય’ તરીકે જાહેર કરવામાં આવ્યો છે. આ વિશાળ વનરાજીમાં ચિત્તલ, સાબર, જંગલી ભૂંડ અને નીલગાય જેવા અનેક શાકાહારી પ્રાણીઓ મોટી સંખ્યામાં વસવાટ કરે છે. આ શાકાહારી પ્રાણીઓની હાજરીને કારણે અહીં ઇકોસિસ્ટમ જળવાયેલી રહે છે. ડાલામથ્થા સિંહ અને ચપળ દીપડા જેવા માંસાહારી વન્યજીવોની સંખ્યામાં પણ ઉત્તરોત્તર વધારો નોંધાયો છે. આ તમામ જીવો માટે ઉનાળાના આકરા દિવસોમાં પાણી એ જીવન ટકાવી રાખવા માટેનો સૌથી મહત્વનો સ્ત્રોત બની જાય છે,
ગિરનારના જંગલમાં કુદરતી વહેણા અને નાળાઓ ચોમાસા દરમિયાન સક્રિય હોય છે પરંતુ, મે અને જૂન મહિનાની કાળઝાળ ગરમીમાં આ કુદરતી સ્ત્રોતો તળિયાઝાટક થઈ જતા હોય છે. આ કપરી પરિસ્થિતિને ધ્યાને રાખીને જૂનાગઢ વન વિભાગ દ્વારા સમગ્ર અભયારણ્ય વિસ્તારમાં કુલ 56 જેટલા કૃત્રિમ વોટર પોઈન્ટ્સ એટલે કે પાણીના કુંડાઓ તૈયાર કરવામાં આવ્યા છે. આ વ્યવસ્થા માત્ર નામ પૂરતી નથી, પરંતુ તેને આધુનિક ટેકનોલોજી સાથે પણ સાંકળવામાં આવી છે…કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી

