સુરતના ડિંડોલીમાં એક ગંભીર અકસ્માતની ઘટના
કાર ચાલકે એક સાથે પાંચ વાહનોને અડફેટે લીધા
કાર ચાલકને પેરાલિસિસની અસર થતા અકસ્માત સર્જાયો હોવાની ચર્ચા
સુરતના ડિંડોલીમાં એક ગંભીર અકસ્માતની ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી જેમાં કાર ચાલકે એક સાથે પાંચ વાહનોને અડફેટે લેતા એક વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ થયો હતો જ્યારે અન્ય બે લોકોને પણ ઈજાઓ પહોંચી છે. અકસ્માત બાદ ડિંડોલી પોલીસે કાર ચાલકની અટકાયત કરી હતી. તો કાર ચાલકને પેરાલિસિસની અસર થતા અકસ્માત સર્જાયો હોવાની ચર્ચા જોવા મળી હતી.
સુરતના ડિંડોલી વિસ્તારમાં અકસ્માતની ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે જેમાં એક કાર અચાનક બેકાબૂ બની એક પછી એક પાંચ વાહનોને ટક્કર મારતી જોવા મળે છે. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે કાર ચાલક પ્રશાંત પ્રકાશ આરેગીરી માસુમ બાળકીના બારમાની વિધિમાં જઈ રહ્યો હતો. તે દરમિયાન પેરાલિસિસની અસર થતાં તેણે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવ્યો અને અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં એક વ્યક્તિને ગંભીર ઈજાઓ પહોંચી છે, જ્યારે અન્ય બે લોકો પણ ઘાયલ થયા છે. સદનસીબે એક યુવકે હેલ્મેટ પહેર્યું હોવાથી તેનો જીવ બચી ગયો અને મોટી દુર્ઘટના ટળી હતી. તો ઘટનાની જાણ થતાં પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી. અને ડિંડોલી પોલીસે અકસ્માત સર્જનાર કાર ચાલક પ્રશાંત પ્રકાશ આરેગીરીની અટકાયત કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

