સુરત અશ્વનીકુમારની ફેક્ટરીમાં ગંભીર દુર્ઘટના સર્જાઈ
ઇટીપી પ્લાન્ટની ટેન્ક ચેમ્બરની સફાઈ દરમિયાન સફાઈ કર્મી ફસાયા
ઘટનામાં બે કર્મચારીઓના મોત થયા છે, જ્યારે અન્ય બેની હાલત ગંભીર
સુરત શહેરના અશ્વનીકુમાર વિસ્તારમાં આવેલી એક ફેક્ટરીમાં આજે ગંભીર દુર્ઘટના સર્જાઈ છે. ETP પ્લાન્ટની ટેન્ક ચેમ્બરની સફાઈ દરમિયાન ચાર સફાઈ કર્મીઓ ગૂંગળામણના કારણે ફસાઈ ગયા હતા. ઘટનામાં બે કર્મચારીઓના મોત થયા છે, જ્યારે અન્ય બેની હાલત ગંભીર હોવાનું સામે આવ્યું છે.
સુરતના અશ્વનીકુમાર વિસ્તારમાં આવેલી એક ફેક્ટરીના ETP પ્લાન્ટમાં સફાઈ કામગીરી ચાલી રહી હતી. તે દરમિયાન ચાર સફાઈ કર્મીઓ ટેન્ક ચેમ્બરમાં ઉતર્યા હતા. પ્રાથમિક માહિતી મુજબ ટેન્કમાં ઝેરી ગેસ અથવા ઓક્સિજનના અભાવને કારણે ગૂંગળામણ સર્જાતા ચારેય કર્મચારીઓ અંદર જ ફસાઈ ગયા હતા.ઘટનાની જાણ થતાં જ ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધરી ચારેય કર્મચારીઓને બહાર કાઢ્યા હતા.જોકે, ગંભીર ગૂંગળામણના કારણે બે સફાઈ કર્મચારીઓના મોત નિપજ્યા હતા. જ્યારે અન્ય બે કર્મચારીઓની હાલત ગંભીર હોવાથી તેમને તાત્કાલિક સારવાર માટે સ્મીમેર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે, જ્યાં તેમની સારવાર ચાલી રહી છે.
ઘટનાની જાણ થતાં સ્થાનિક પોલીસ તેમજ ફાયર વિભાગના ઉચ્ચ અધિકારીઓ પણ સ્થળ પર દોડી આવ્યા હતા અને સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે. પ્રાથમિક તબક્કે સુરક્ષા વ્યવસ્થામાં કોઈ બેદરકારી રહી હતી કે કેમ તે સહિતના મુદ્દાઓની તપાસ હાથ ધરવામાં આવી રહી છે.ETP પ્લાન્ટની ટેન્કમાં સર્જાયેલી આ દુર્ઘટનાએ અશ્વનીકુમાર વિસ્તારમાં ભારે ચકચાર મચાવી છે. પોલીસ અને ફાયર વિભાગ દ્વારા ઘટનાના ચોક્કસ કારણો જાણવા વધુ તપાસ કરવામાં આવી રહી છે.

