સુરત : યશવી ફાઉન્ડેશનનું ઉમદા કાર્ય
એચઆઇવી પોઝિટિવ દીકરીઓ માટે ‘યશવી આનંદવાટિકા’નું ભૂમિપૂજન
ફાઉન્ડેશને તેના સેવાકીય કાર્યોની વણઝાર યથાવત રાખીને એક એવું ઉમદા કાર્ય કર્યું છે જેના થકી એચઆઇવી એઇડ્સ સાથે જીવતી દીકરીઓનું સ્વપ્ન સાકાર થવા જઈ રહ્યું છે. ફક્ત સુરત જ નહીં પણ સમગ્ર દેશમાં સૌપ્રથમ વાર જએચઆઇવી પોઝિટિવ દીકરીઓની સાર સંભાળ માટે યશવી ફાઉન્ડેશન નિર્માણ કરવા જઈ રહ્યું છે “યશવી આનંદવાટીકા”. આ ભવન એચઆઇવી સાથે જીવતી દીકરીઓની સંભાળની સાથે સાથે સ્વાસ્થ્ય, શિક્ષણ, સુરક્ષિત આશ્રય અને સર્વાંગી વિકાસ માટે સમર્પિત રહેશે.
ગુજરાત સ્ટેટ નેટવર્ક ઓફ પીપલ લિવિંગ વિથ HIV/AIDS(GSNP+) જે આખા ગુજરાત રાજ્યમાં તેમના માટે વર્ષોથી કામ કરતી આવેલ સંસ્થા છે, જેમનું એક સપનું હતું કે HIV સાથે જીવતી દીકરીઓ માટે એક ખાસ બાળ સંભાળ ગૃહ હોય, આ સપનાને ઉડાન આપીને તેને વાસ્તવિકતામાં ફેરવવાનું બીડું ઝડપ્યું છે યશવી ફાઉન્ડેશને. જેના પ્રયત્નો થઇ કોસાડ ગામ, નાયરા પેટ્રોલ પમ્પ પાસે સાકાર થવા જઈ રહી છે યશવી આનંદ વાટિકા. જેના ભવનના નિર્માણનો સંપૂર્ણ ખર્ચ યશવી ફાઉન્ડેશનના ફાઉન્ડર પરેશભાઈ ખંડેલવાલે ઉઠાવ્યો છે. આ ભવનનુ ભૂમિ પૂજન પણ તેમના જ વરદ હસ્તે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે યશવી ગ્રુપના સીઈઓએ જણાવ્યું હતું કે યશવી આનંદવાટિકા એ HIV પોઝિટિવ દીકરીઓ માટે કાયમી રહેઠાણ બની રહેશે. જે અમારા માટે ઘણી આનંદની વાત છે. GSNP+ અને યશવી ફાઉન્ડેશનના સંયુક્ત પ્રયાસથી આજે આ સપનું સાકાર થવા જઈ રહ્યું છે. જ્યાં દીકરીઓના ભણતર અને સર્વાંગી વિક્સ માટે મદદરૂપ બની રહેશે. આ પ્રસંગે દક્ષાબેને જણાવ્યું હતું કે આ આનંદવાટિકા એ GSNP+ નો ડ્રિમ પ્રોજેકટ છે. HIV એઇડ્સ પીડિત દીકરીઓને સહાય અને મદદ તો ઘણી મળી રહે છે, પણ વર્ષોથી અમારી એ ઈચ્છા હતી કે દીકરીઓને રહેઠાણ માટે, શિક્ષણ માટે કાયમી છત મળે. અને આજે યશવી ફાઉન્ડેશનના આ ઉમદા સહયોગથી અમારું બાળકીઓ માટે જોયેલું સપનું સાકાર થવા જઈ રહ્યું છે. જેના માટે અમે પરેશભાઈ ખંડેલવાલનો હાર્દિક આભાર વ્યકત કરીએ છીએ. યશવી આનંદવાટીકાના શુભ ભૂમિપૂજનના સમારોહમાં ધર્મગુરુ, ગૌરવવંતા સમાજના શ્રેષ્ઠિશ્રીઓ,સંગઠન પરિવારના સભ્યો અને અન્ય મહાનુભવો હાજર રહ્યા હતા.
