તાપીના સાદડવેલમાં વન વિભાગ દ્વારા નવતર પહેલ
વન્યપ્રાણીઓને જંગલમાં જ પૂરતો કુદરતી ખોરાક મળી રહે
વન્યજીવ સંઘર્ષ રોકવા માટે નવતર પહેલ
દીપડા જેવા હિંસક વન્યપ્રાણીઓ વારંવાર ખોરાકની શોધમાં માનવ વસ્તી તરફ આવી રહ્યા છે, જેના કારણે માનવ-વન્યજીવ સંઘર્ષના બનાવોમાં વધારો થઈ રહ્યો છે. આવી સ્થિતિમાં વન્યપ્રાણીઓને જંગલમાં જ પૂરતો કુદરતી ખોરાક મળી રહે અને તેઓ માનવ વસ્તી તરફ ન વળે તે માટે તાપી વન વિભાગે એક નવતર પહેલ શરૂ કરી છે.
તાપી જિલ્લા વન વિભાગે સાદડવેલ રેન્જમાં વર્ષ 2025માં રેડ જંગલ ફાઉલ બ્રીડિંગ સેન્ટર શરૂ કર્યું છે. આ કેન્દ્રમાં જંગલી મરઘાઓનો ઉછેર કરવામાં આવી રહ્યો છે. હાલમાં અહીં 70 જેટલા મરઘાઓનો ઉછેર કરવામાં આવી રહ્યો છે. મરઘાઓ પરિપક્વ થયા બાદ તેમને જંગલ વિસ્તારમાં છોડવાની કામગીરી કરવામાં આવશે, જેથી દીપડા સહિતના માંસાહારી વન્યપ્રાણીઓને કુદરતી ખોરાક ઉપલબ્ધ થઈ શકે. વન વિભાગનો આ પ્રયોગ માત્ર વન્યજીવોના સંરક્ષણ માટે જ નહીં, પરંતુ માનવ અને વન્યજીવો વચ્ચે વધતા સંઘર્ષને ઘટાડવા માટે પણ મહત્વપૂર્ણ સાબિત થઈ શકે છે. શિકારની શોધમાં નીકળેલા દીપડાઓ અનેક વખત ખેતરમાં કામ કરતા લોકો પર હુમલો કરે છે. જિલ્લામાં નાના બાળકોને ખેંચી જઈને મારી નાખવાની ઘટનાઓ પણ બની ચૂકી છે. તેમજ પશુઓ પર પણ હુમલાઓ થતા રહે છે. આવી સ્થિતિમાં વન વિભાગની આ પહેલથી જંગલ વિસ્તારની આસપાસ રહેતા લોકોને રાહત મળી શકે તેવી આશા છે.
તાપી જિલ્લામાં જંગલ વિસ્તાર વિશાળ હોવાથી અહીં દીપડાઓની સંખ્યા વધુ છે. દીપડાઓ માનવ વસ્તી તરફ વળતા હોવાના અનેક કિસ્સાઓ સામે આવ્યા છે. ખાસ કરીને શેરડી કાપવાની સીઝનમાં દીપડાનો આતંક વધી જાય છે. માનવ વસ્તી તરફ આવેલા દીપડાઓ શેરડીના ખેતરોમાં સંતાઈ જાય છે અને અનેક વખત ત્યાં જ તેમના બચ્ચાઓને જન્મ આપે છે. મરઘાઓને ખોરાક તરીકે શાકભાજી, ફળો અને દાણ આપવામાં આવે છે. તેમની દેખરેખ માટે બે કર્મચારીઓને તૈનાત કરવામાં આવ્યા છે. વેટરનરી ડોક્ટર દ્વારા નિયમિત તપાસ અને રસીકરણ કરવામાં આવે છે, જેથી મરઘાઓને કોઈ રોગ ન લાગે અને તેઓ સ્વસ્થ રહે….કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી

