સુરતમાં ઈવેન્ટ અને વેડિંગ પ્લાનિંગ ઈન્ડસ્ટ્રીને નવી દિશા
સેગમા દ્વારા એવોલવે 2.0નું આયોજન કરવામાં આવ્યું
પ્રોફેશનલ્સને નવી ટેક્નોલોજી, વિચારો અને નેટવર્કિંગની તકો મળશે.
સુરતમાં ઈવેન્ટ અને વેડિંગ પ્લાનિંગ ઈન્ડસ્ટ્રીને નવી દિશા આપવા માટે સેગમા દ્વારા એવોલવે 2.0નું આયોજન કરવામાં આવ્યું છે. આગામી 16 ઓગસ્ટે યોજાનારી આ મેગા કોન્ફરન્સમાં ઈવેન્ટ ક્ષેત્ર સાથે જોડાયેલા પ્રોફેશનલ્સને નવી ટેક્નોલોજી, વિચારો અને નેટવર્કિંગની તકો મળશે.
ઈવેન્ટ મેનેજમેન્ટ અને વેડિંગ પ્લાનિંગ ઉદ્યોગ હવે માત્ર લગ્ન પ્રસંગો પૂરતો સીમિત રહ્યો નથી. કોર્પોરેટ ઈવેન્ટ્સથી લઈને મેગા સ્પોર્ટ્સ અને આંતરરાષ્ટ્રીય સ્તરના કાર્યક્રમો સુધી આ ક્ષેત્રનો વ્યાપ સતત વધી રહ્યો છે. ઈવેન્ટ મેનેજર્સ, પ્લાનર્સ, ડેકોરેટર્સ, પ્રોડક્શન હાઉસિસ, કલાકારો, હોસ્પિટાલિટી પાર્ટનર્સ અને વેન્યુ ઓનર્સ સહિતના સ્ટેકહોલ્ડર્સ ટેક્નોલોજી અને નવા કોન્સેપ્ટ્સ સાથે ઈન્ડસ્ટ્રીમાં પરિવર્તન લાવી રહ્યા છે. ગુજરાતમાં ભવિષ્યમાં મેગા સ્પોર્ટ્સ અને આંતરરાષ્ટ્રીય સ્તરના કાર્યક્રમોની સંભાવનાને જોતા ઈવેન્ટ ઈન્ડસ્ટ્રી માટે નવી તકો ઊભી થઈ રહી છે. આ બદલાતા માહોલ વચ્ચે સાઉથ ગુજરાત ઈવેન્ટ મેનેજમેન્ટ એસોસીએશન એટલે કે સેગમા છેલ્લા 13 વર્ષથી ઈવેન્ટ ઇન્ડસ્ટ્રી સાથે જોડાયેલા પ્રોફેશનલ્સને એક પ્લેટફોર્મ પર લાવવાનું કાર્ય કરી રહ્યું છે. હાલ સેગમા સાથે 340થી વધુ સભ્યો જોડાયેલા છે. એસોસિએશન દ્વારા વિવિધ કાર્યક્રમો અને કોન્ફરન્સના માધ્યમથી સભ્યો વચ્ચે નેટવર્કિંગ, જ્ઞાનની આપ-લે અને સાથે મળીને કામ કરવાની તકો ઊભી કરવામાં આવી રહી છે.
ગત વર્ષે પ્રથમ વખત એવોલવે મેગા કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં દેશભરના જાણીતા વક્તાઓએ સુરતના ઈવેન્ટ પ્રોફેશનલ્સ સાથે પોતાના અનુભવો અને જ્ઞાન શેર કર્યા હતા. હવે આ સફળતાને આગળ વધારતા સેગમા દ્વારા એવોલવે 2.0નું આયોજન કરવામાં આવ્યું છે. આગામી 16 ઓગસ્ટે એડવીટા બેન્કવેટ હોલ ખાતે યોજાનારી આ એક દિવસીય કોન્ફરન્સમાં આ વર્ષે વધુ વિશાળ સ્તરે આયોજન કરવામાં આવ્યું છે. સેગમાનો મુખ્ય ઉદ્દેશ ઈવેન્ટ પ્રોફેશનલ્સને એકસાથે લાવવાની સાથે સમગ્ર ઈવેન્ટ ઈન્ડસ્ટ્રીને વધુ પ્રોફેશનલ, સુવ્યવસ્થિત અને ટેક્નોલોજી આધારિત બનાવવાનો છે. એવોલવે 2.0 દ્વારા ઈવેન્ટ ક્ષેત્ર સાથે સંકળાયેલા પ્રોફેશનલ્સને નવા વિચારો, નવી દિશા અને નવા બિઝનેસ નેટવર્કિંગની તકો મળવાની અપેક્ષા છે.

