અમદાવાદમાં ભાજપનો અભેદ ગઢ ગણાતા ખાડિયામાં મોટો રાજકીય ઉલટફેર
દાણીલીમડામાં કોંગ્રેસના તમામ 4 ઉમેદવારોની શાનદાર જીત.
22 થી 23 હજારની લીડ સાથે કોંગ્રેસનો પંજો લહેરાયો.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીના પરિણામોમાં આ વખતે ચોંકાવનારા દ્રશ્યો જોવા મળ્યા છે. ખાસ કરીને ભાજપનો અભેદ ગઢ ગણાતા ખાડિયા વિસ્તારમાં મોટો રાજકીય ઉલટફેર સર્જાયો છે. વર્ષોથી ભાજપ સાથે જોડાયેલા આ વિસ્તારમાં કોંગ્રેસે તમામ ચાર બેઠકો પર વિજય મેળવીને કેસરિયા ગઢમાં ગાબડું પાડ્યું છે
અમદાવાદ પાલિકાની ચૂંટણીમાં અભેદ ગઢ ગણાતા ખાડિયામાં કોંગ્રેસના મહિલા ઉમેદવાર મીના નાયકની આગેવાનીમાં પેનલનો વિજય થયો છે. તેમની સાથે બીરજુ ઠક્કર, ધ્રુવ કલાપી અને ઇલિયાસ ખાનએ પણ શાનદાર દેખાવ કરીને જીત હાંસલ કરી છે. આ પરિણામોએ રાજકીય વિશ્લેષકોને પણ વિચારતા કરી દીધા છે, કારણ કે ખાડિયા હંમેશા ભાજપની વિચારધારાનું કેન્દ્ર રહ્યું છે. બીજી તરફ, દાણીલીમડા બેઠક પર પણ કોંગ્રેસે પોતાનું વર્ચસ્વ જાળવી રાખ્યું છે. અહીં કોંગ્રેસની આખી પેનલ વિજયી બની છે, જેમાં શહેઝાદ ખાન પઠાનનો ભવ્ય વિજય મુખ્ય રહ્યો છે. ભાજપ દ્વારા આ ગઢ તોડવા માટે એડીચોટીનું જોર લગાવવામાં આવ્યું હતું, પરંતુ જનતાએ ફરી એકવાર કોંગ્રેસ પર વિશ્વાસ મૂક્યો છે.
સ્થાનિકોના મતે, ગરીબોના ઘર પર ચલાવવામાં આવેલા બુલડોઝર અને મોંઘવારી જેવા મુદ્દાઓ જનતાના મનમાં ક્યાંકને ક્યાંક ઘર કરી ગયા હતા, જેનો જવાબ તેમણે EVM દ્વારા આપ્યો છે. દાણીલીમડા હંમેશા કોંગ્રેસનો મજબૂત ગઢ રહ્યો છે અને આ પરિણામોએ સાબિત કર્યું છે કે વિપક્ષ હજુ પણ મજબૂત પકડ ધરાવે છે…કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી

