વડોદરા રેલવે સ્ટેશન પરથી બાળ તસ્કરીના મોટા રેકેટનો પર્દાફાશ
મુંબઈ અને સુરત લઈ જવાતા 16 સગીરને પોલીસે બચાવ્યા
બિહાર અને મધ્યપ્રદેશમાંથી લાલચ આપીને લઈ જતા હતા કિશોરોને
રેસ્ક્યુ કરાયેલા બાળકોમાંથી 16 બાળકો સગીર હોવાનું સામે આવ્યું
વડોદરા રેલવે સ્ટેશન પર બાળ તસ્કરીના મોટા રેકેટનો પર્દાફાશ થયો છે. પ્રયાસ જુવેનાઈલ સંસ્થાએ આપેલી માહિતીને આધારે પોલીસે, આરપીએફ અને સીડબ્લ્યુસીની મદદથી બાળ મજૂરીના ઈરાદે મુંબઈ અને સુરત તરફ લઈ જવાતા 17 જેટલા સગીર બાળકોને બચાવ્યા છે. આ બાળકો બિહાર અને મધ્યપ્રદેશના છે અને તેમને લાલચ આપીને તસ્કરી માટે લઈ જવામાં આવી રહ્યા હોવાની આશંકા છે.
પ્રાપ્ત માહિતી અનુસાર પ્રયાસ જુવેનાઈલ સંસ્થાએ રેલવે પોલીસ ફોર્સને માહિતી આપી હતી, જેના આધારે કાર્યવાહી હાથ ધરી પોલીસે વડોદરા રેલવે સ્ટેશન પર 2 વાગ્યે પહોંચેલી બોમ્બે હોલીડે સ્પેશિયલ ટ્રેનની સઘન તપાસ હાથ ધરી હતી. દરમિયાન છેલ્લા 2-3 ડબ્બામાંથી કુલ 41 જેટલા બાળકો મળી આવ્યા હતા. આ તમામને પ્લેટફોર્મ પર લાવી તપાસ કરતા 24ની ઉંમર 18 વર્ષથી વધુ જણાઈ આવી હતી, જ્યારે 17 બાળકો હજુ પણ સગીર વયના જ હોવાનું બહાર આવ્યું છે, નાયબ પોલીસ અધિક્ષક (પશ્ચિમ રેલવે) જી. એસ. બારીયાના જણાવ્યા અનુસાર, આ તમામ બાળકો બિહાર અને મધ્યપ્રદેશ તરફના છે, જેઓને કોઈએ લાલચ આપીને બાળ મજૂરીના ઇરાદે તસ્કરી માટે લઈ જવાતા હતા. હાલ આ મામલે પોલીસે રેકેટ સાથે સંકળાયેલા તસ્કરોની શોધખોળ શરૂ કરી છે અને આગળની તપાસ ચાલુ છે. સાથે બચાવાયેલા બાળકોના વાલીઓનો સંપર્ક કરવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે, જેથી તેમને તેમના પરિવારોને સોંપી શકાય. આ બાળકોને બાળ કલ્યાણ સમિતિ સમક્ષ રજૂ કરવામાં આવશે, જે તેમના ભવિષ્ય અંગે નિર્ણય લેશે.
તપાસ દરમિયાન આ બાળકો એક સાથે 2 – 2 અને 3 – 3 ના જૂથમાં વહેંચાઈને ટિકિટ ખરીદી મુસાફરી કરી રહ્યા હતા. પૂછપરછ દરમિયાન આ કિશોરો, કાકા અને મામા જેવા વગેરે સંબંધીઓની ઓળખ આપી ત્યાં જઈ રહ્યા હોવાનું કહેતા હતા. જોકે આ બાળકોનું નેતૃત્વ કરનાર કોઈ લીડર હજુ સુધી ઝડપાયો નથી. આ ઘટના અંગે પ્રયાસ જુવેનાઇલ સંસ્થાના સભ્ય હરીશ પરમારે જણાવ્યું કે, ‘સંસ્થાની હેડ ઓફિસ તરફથી અમને આ બાળ તસ્કરીની માહિતી મળી હતી. જે બાદ સમગ્ર મામલાની પોલીસને જાણ કરતા હકીકત સામે આવી હતી અને હાલ ટ્રેન મારફતે લઈ જવા બાળ મજૂરી માટે લઈ જવાતા 17 જેટલા બાળકોને બચાવી લેવાયા છે. સાથે જ ભવિષ્યમાં પણ બનતી બાળ તસ્કરીના આવી ઘટનાઓ રોકવાની સંસ્થા સંપૂર્ણ પ્રયાસો રહેશે……કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી

