Site icon hindtv.in

સામાન્ય જનતાના મેડિકલ બજેટ પર મોટો આર્થિક બોજ

સામાન્ય જનતાના મેડિકલ બજેટ પર મોટો આર્થિક બોજ
Spread the love

સામાન્ય જનતાના મેડિકલ બજેટ પર મોટો આર્થિક બોજ
ઈરાન-ઈઝરાયેલ યુદ્ધની દવાઓ પર થશે માઠી અસર.
આગામી દિવસોમાં દવાઓના ભાવમાં વધારાની શક્યતા.

ઈરાન અને ઈઝરાયલ વચ્ચે ચાલી રહેલા ભીષણ યુદ્ધની સીધી અસર હવે ભારતીય ફાર્મા સેક્ટર પર પડવાની પૂરેપૂરી શક્યતા સેવાઈ રહી છે. દવાઓના ઉત્પાદન માટે જરૂરી એવા બેઝિક સોલ્યુશન અને પેટ્રોલિયમ આધારિત સોલ્વન્ટ મોંઘા થવાના કારણે આગામી સમયમાં જીવનરક્ષક દવાઓના ભાવમાં ધરખમ વધારો થઈ શકે છે. હાલમાં મેન્યુફેક્ચરર્સ પાસે મર્યાદિત સ્ટોક હોવાથી, જો આ વૈશ્વિક તણાવ લાંબો સમય ચાલશે તો સામાન્ય જનતાના મેડિકલ બજેટ પર મોટો આર્થિક બોજ આવી શકે તેમ છે.

મધ્ય પૂર્વમાં ફાટી નીકળેલા ઈરાન અને ઈઝરાયલ વચ્ચેના યુદ્ધની લાંબી અસરો હવે વૈશ્વિક અર્થતંત્ર સાથે ભારતના સામાન્ય નાગરિકોના ખિસ્સા પર પણ પડવાની પૂરેપૂરી શક્યતા છે. ખાસ કરીને દવા ઉદ્યોગ માટે આ યુદ્ધ ચિંતાનો વિષય બન્યું છે. યુદ્ધને કારણે સપ્લાય ચેઈન ખોરવાતા અને કાચા માલના ભાવ વધતા આગામી દિવસોમાં જીવનરક્ષક દવાઓ મોંઘી થઈ શકે છે. અમદાવાદના ફાર્મા નિષ્ણાતોના મતે, આ ભૌગોલિક-રાજકીય તણાવ જો લાંબો સમય ચાલશે તો મેડિકલ બિલમાં મોટો ઉછાળો જોવા મળી શકે છે. દવાઓ બનાવવા માટે વપરાતું અત્યંત જરૂરી એવું સોલ્વન્ટ મોંઘુ થવાના કારણે દવાની ઉત્પાદન કિંમત વધી શકે છે. આ બાબતે ફાર્મા એક્સપર્ટ જશવંત પટેલે જણાવ્યું હતું કે, દવાઓના સોલ્યુશન માટે જે બેઝિક્સ વપરાય છે, તે મુખ્યત્વે આ યુદ્ધગ્રસ્ત દેશો અને તેની આસપાસના વિસ્તારોમાંથી આવે છે. યુદ્ધના કારણે આયાત-નિકાસ પ્રભાવિત થતા આ કાચા માલની અછત સર્જાઈ શકે છે. જ્યારે પણ આંતરરાષ્ટ્રીય સ્તરે ક્રૂડ ઓઈલ અને પેટ્રોલિયમ પેદાશોના ભાવ વધે છે, ત્યારે તેની સીધી અસર ફાર્મા સેક્ટર પર પડે છે, કારણ કે ઘણી પાયાની સામગ્રી પેટ્રોલિયમ આધારિત હોય છે

દવાઓના ઉત્પાદનમાં વપરાતી ઘણી કેમિકલ પ્રક્રિયાઓ પેટ્રોલિયમ પેદાશો પર નિર્ભર હોય છે. ખાસ કરીને લિક્વિડ એટલે કે પ્રવાહી દવાઓ બનાવવામાં પેટ્રોલિયમ પેદાશોનો મહત્તમ ઉપયોગ થાય છે. જો યુદ્ધને કારણે ક્રૂડના ભાવમાં વધારો થશે તો સિરપ અને ઈન્જેક્શન જેવી લિક્વિડ દવાઓ મોંઘી થવાની શક્યતા સૌથી વધુ છે. આ સ્થિતિમાં ફાર્મા કંપનીઓ માટે જુના ભાવે દવાઓનું વેચાણ કરવું મુશ્કેલ બનશે, જેનો સીધો બોજ દર્દીઓ અને સામાન્ય જનતા પર આવશે….કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી

Exit mobile version