અમદાવાદ વટવાજીઆઈડીસી-૪માં જયશ્રી કેમિકલ ઈન્ડસ્ટ્રીઝમાં વિકરાળ આગ
કેમિકલ ડ્રમમાં બ્લાસ્ટ બાદ લાગેલી આગને કાબુ લેવા ફાયર વિભાગની 20 ગાડીઓ
અમદાવાદમાં છેલ્લા 24 કલાકમાં શહેરમાં આગની 4 ઘટના બની
અમદાવાદમાં છેલ્લા 24 કલાકમાં શહેરમાં આગની 4 ઘટના બની છે. વટવા જીઆઈડી ફેઝ-4માં આવેલી જયશ્રી ઈન્ડસ્ટ્રીઝની આગ સૌથી ભીષણ હતી. પ્રહલાદનગરમાં આવેલા વિનસ એટલાન્ટિસના પાર્કિંગમાં આગ લાગતા 8 ટુવ્હીલર બળી ગયા હતા. એસજી હાઈવે પરના અંદાજ પાર્ટી પ્લોટમાં ડેકોરેશનના સામાનમાં, કાલુપુર ફ્રૂટ માર્કેટમાં 4 દુકાનમાં આગ લાગી હતી.
અમદાવાદના વટવા જીઆઇડીસી વિસ્તારમાં આવેલી કેમિકલ ફેક્ટરીમાં આગ લાગવાની ઘટના બની છે. જીઆઇડીસી ફેઝ 4માં આવેલી જયશ્રી ઇન્ડસ્ટ્રીઝ નામની ફેક્ટરીમાં આગ લાગી છે. ઘટનાની જાણ થતાં ફાયરબ્રિગેડની 10થી વધુ ગાડીઓ અને ઉચ્ચ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચ્યાં છે. સોલવન્ટ અને ઈથાઈલ કેમિકલ હોવાના કારણે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું છે. ફેક્ટરીની આજુબાજુમાં આવેલી ત્રણથી ચાર ફેક્ટરી તેમજ વાહનો પણ આગની ઝપેટમાં આવી ગયા છે. હાલ આ ઘટનામાં બે લોકોને ઈજા થતાં સારવાર અર્થે મણિનગરની એલજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. ફેક્ટરીમાં કેમિકલ હોવાના કારણે આગ વધુ ફેલાઈ રહી છે, જેના કારણે ફાયરબ્રિગેડને કાબૂ મેળવવામાં વધારે મહેનત કરવી પડી રહી છે. ફાયરબ્રિગેડની અત્યારે કુલ 19 જેટલી ગાડીઓ ઘટનાસ્થળે છે અને આગને ચારે તરફથી કાબૂમાં લેવાના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. આગના ધુમાડા જીઆઇડીસી રોડ ઉપર દૂર દૂર સુધી દેખાવા લાગ્યા હતા.
આજનો દિવસ ભારે હોય તેમ 24 કલાકમાં જ અમદાવાદમાં આગની ચાર ઘટના સામે આવી છે. મોડીરાતે એસજી હાઈવે પરના અંદાજ પાર્ટી પ્લોટમાં આગ લાગી હતી, જેમાં ડેકોરેશન સહિતનો સામાન બળીને ખાક થઈ ગયો છે. અન્યમાં રાત્રે 11:15 વાગ્યાની આસપાસ કાલુપુર વિસ્તારના ફ્રૂટ્સ માર્કેટમાં આગ લાગતાં ચાર દુકાન બળીને રાખ થઈ ગઈ હતી. આ ઉપરાંત પ્રહલાદનગરમાં એક બિલ્ડિંગના પાર્કિગમાં આગ ભભૂકી ઊઠી હતી….કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી