શ્યામ સંગીની માર્કેટમાં મોડી રાત્રે લાગી ભીષણ આગ
રાત્રે 12 વાગ્યાની આસપાસ આગ લાગ્યાનો બનાવ
જોતજોતામાં 4થી 5 દુકાનો આગની ઝપેટમાં આવી
આગને પગલે સમગ્ર વિસ્તારમાં અફરાતફરીનો માહોલ
સુરતના સરોલી વિસ્તારમાં આવેલી શ્યામ સંગીની માર્કેટમાં મોડી રાત્રે ભીષણ આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. રાત્રે 12 વાગ્યાની આસપાસ લાગેલી આગે જોતજોતામાં 4થી 5 દુકાનોને પોતાની ઝપેટમાં લઈ લીધી હતી. જેને લઈ આખા વિસ્તારમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો.
સુરતમાં વારંવાર આગના બનાવો સામે આવી રહ્યા છે. ત્યારે સુરતના સરોલીની શ્યામ સંગીની માર્કેટમાં મોડી રાત્રે આગ લાગવાની ઘટનાથી ભારે દોડધામ મચી ગઈ હતી. રાત્રે 12 વાગ્યાની આસપાસ આગ લાગતા ઘટનાની જાણ ફાયર વિભાગને કરવામાં આવી હતી. જાણ મળતાની સાથે જ 4થી 5 ફાયર સ્ટેશનની ગાડીઓ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. આગ વિકરાળ હોવાથી ફાયર વિભાગના 150થી વધુ કર્મચારીઓ અને અધિકારીઓ આગ પર કાબૂ મેળવવા માટે મેદાને ઉતર્યા હતા. આગ 4થી 5 દુકાનોમાં ફેલાઈ જતા આગ પર કાબૂ મેળવવામાં ફાયર વિભાગને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો હતો. હાલ ફાયર વિભાગની ટીમ દ્વારા આગને કાબૂમાં લેવાની કામગીરી યુદ્ધના ધોરણે ચાલુ રાખવામાં આવી હતી. જો કે માર્કેટમાં લાગેલી આગની જાણ થતા જ લોકોમાં ડરનો માહોલ જોવા મળ્યો હતો.

