ભાવનગરના દરબારી કોઠાર રોડ પર જર્જરિત મિલ્કત ધરાશાયી
કાનુની વિવાદમાં રહેલી મિલ્કતને લઈને લોકોમાં ભારે રોષ ફેલાયો
ભાવનગર શહેરના દરબારી કોઠાર વિસ્તારમાં વર્ષો જૂની અને જર્જરિત મિલ્કત લાંબા સમય સુધી કાનુની દાવપેચમાં અટવાયેલી રહી અને આ ઇમારતને ગત મોડીરાત્રે ઉતારી લેવાની કામગીરી ચાલી રહી હતી એ દરમ્યાન આ જૂનવાણી સ્ટ્રક્ચર ધડાકાભેર ધરાશાયી થતાં જાનમાલનો સ્હેજમાં બચાવ થયો હતો.
ભાવનગર શહેરના દરબારી કોઠાર એરિયામાં વર્ષો જૂનું અને લાંબા સમયથી અત્યંત જર્જરિત હાલતમાં રાજમહોમ્મદ અહેમદ શેખની માલિકીનું બહુમાળી મકાન આવેલું છે આ ઈમારત વર્ષો જૂની હોવાનાં કારણે મકાન અત્યંત જર્જરિત હાલતમાં હોય આથી આ ઇમારતને તોડી પાડવા મકાન માલિક તથા બીએમસી દ્વારા તજવીજ હાથ ધરવામાં આવી હતી પરંતુ મકાનમાં વર્ષોથી ૫ ભાડુઆતો વસવાટ કરતા હોય આ મકાન તોડી પાડવાના નિર્ણયને ભાડુઆતોએ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ આ મકાન તૂટી પડે તો મોટી જાનહાની સર્જાવાની ભિતી સેવાઇ રહી હોય ખુદ તંત્ર એ પણ સમગ્ર કેસ મુદ્દે કોર્ટમાં સામી ફાઈક આપી હતી દરમ્યાન કોર્ટે ચુકાદો આપ્યો હતો કે જો મકાન ક્ષતિગ્રસ્ત થાય કે કોઈ જાનહાની સર્જાય તો ભોગ બનનારને વળતર તરીકે મકાન માલિક અને ભાડુઆતો દ્વારા ૫૦+૫૦ વળતર ચુકવવું દરમ્યાન તંત્ર એ સમગ્ર મુદ્દે હસ્તાક્ષેપ કરી ભાડુઆતોને મનાવી લીધા હતા.
ગત મોડી રાત્રિના સમયે જર્જરિત મકાન ઉતારી લેવાની કામગીરી શરૂ હોય એ દરમ્યાન જ સમગ્ર મકાન ધડાકાભેર ધરાશાયી થતાં મકાનનો કાટમાળ ચોમેર વેરવિખેર પડ્યો હતો રસ્તા પર પડેલા કાટમાળને લઈને રસ્તો પણ બ્લોક થઇ જવા પામ્યો હતો દરમ્યાન આજે રવિવારનો દિવસ હોય આથી રજાના દિવસે તંત્ર દ્વારા કાટમાળ દૂર કરવાની કામગીરી તંત્ર દ્વારા કરવામાં આવી ન હતી આ ઘટનાને લઈને લોકોએ જણાવ્યું હતું કે આ એરિયામાં હજુ પણ આવી જૂનવાણી ઈમારતો મોજુદ છે ત્યારે આવી ઈમારતો ને લઈને કોઈ મોટી દુર્ઘટના સર્જાય એ પહેલાં તંત્ર આવી ઈમારતો દૂર કરી સ્થાનિક રહિશોને નિર્ભય કરે એવી માંગ પ્રબળ બની છે..

