દબાણ હટાવો ઝુંબેશ દરમિયાન કાજુ-બદામના કેરેટમાંથી કોબ્રા સાપ નીકળ્યો
ધુલિયા ચોકડીમાં પાલિકાની કાર્યવાહી દરમિયાન કોબ્રા મળતા દોડધામ
લારી-ગલ્લા હટાવતાં ઝેરી કોબ્રાની એન્ટ્રી — કર્મચારીઓમાં ફફડાટ
બારડોલી નગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા આજે શહેરના વ્યસ્ત એવા ધુલિયા ચોકડી વિસ્તારમાં રસ્તા પર નડતરરૂપ દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ કામગીરી દરમિયાન એક આશ્ચર્યજનક અને ભયાનક ઘટના સામે આવી હતી, જેમાં રસ્તા પરના લારી-ગલ્લાના દબાણ હટાવતી વખતે કાજુ-બદામના કેરેટ નીચેથી એક ઝેરી કોબ્રા સાપ મળી આવ્યો હતો.
નગરપાલિકાની ટીમ જ્યારે ધુલિયા ચોકડી પર રસ્તા વચ્ચે ઉભા રહેતા લારી-ગલ્લાઓનું દબાણ દૂર કરી રહી હતી, ત્યારે સામાનની હેરફેર દરમિયાન કેરેટની નીચે છુપાયેલો નાગ ફેણ ચઢાવીને બહાર આવતા કર્મચારીઓ અને આસપાસના લોકોમાં નાસભાગ મચી ગઈ હતી. જોકે, આરોગ્ય વિભાગની ટીમે અત્યંત સાવધાનીપૂર્વક કામગીરી કરી સાપને સુરક્ષિત રીતે પકડી લીધો હતો. ત્યારબાદ, આ અંગે તાત્કાલિક વન્યજીવ પ્રેમી સંસ્થા ‘ફ્રેન્ડ્સ ઓફ એનિમલ’ ગ્રુપને જાણ કરવામાં આવી હતી અને પકડાયેલા કોબ્રાને તેમને સોંપવામાં આવ્યો હતો. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ ન હતી. દબાણ દૂર થવાની સાથે ઝેરી સાપ પકડાતા રાહદારીઓએ રાહતનો શ્વાસ લીધો હતો…

