Site icon hindtv.in

સુરત પુણા રોડ વિસ્તારમાં ભૂલથી 2 લાખની રોકડ રકમ પણ કેનાલમાં પધરાવી

સુરત પુણા રોડ વિસ્તારમાં ભૂલથી 2 લાખની રોકડ રકમ પણ કેનાલમાં પધરાવી
Spread the love

સુરત પુણા રોડ વિસ્તારમાં ભૂલથી 2 લાખની રોકડ રકમ પણ કેનાલમાં પધરાવી
પૂજા-સામગ્રી સાથે ભૂલથી 2 લાખની રોકડ રકમ પણ કેનાલમાં પધરાવી
ફાયર જવાનોએ ભારે જહેમત બાદ પાણીમાં ડુબકી મારી રકમ શોધી કાઢી

સુરત પુણા રોડ વિસ્તારમાં એક પરિવારે પૂજા-સામગ્રી સાથે ભૂલથી 2 લાખની રોકડ રકમ પણ કેનાલમાં પધરાવી દીધી હતી. જોકે, ઘટનાની જાણ થતા જ ડુંભાલ ફાયર સ્ટેશનની ટીમે તાત્કાલિક કાર્યવાહી કરીને ભારે જહેમત બાદ પાણીમાં ડુબકી મારી રકમ શોધી કાઢી અને પરિવારને સલામત રીતે પરત કરી હતી.

પુણાગામ રોડ પર આવેલી નિજાનંદ સોસાયટીમાં રહેતા લિંબા પરિવાર દ્વારા થોડા દિવસ પહેલા ઘરમાં ધાર્મિક વિધિ અને પૂજા કરવામાં આવી હતી. પૂજા પૂર્ણ થયા બાદ તેની સામગ્રી અને ફૂલોને તેમણે કબાટની અંદર તિજોરી પાસે જ રાખી દીધા હતા. આજે પરિવારના સભ્યોએ પૂજા પછીની સામગ્રીને એકત્ર કરીને પ્લાસ્ટિકની થેલીમાં ભરી અને પુણા રોડ પર અમેઝિયા ટાવર પાસે આવેલી કેનાલમાં પધરાવી દીધી હતી. ઘરે પરત આવ્યા બાદ જ્યારે તેમણે તિજોરી તપાસી ત્યારે તેમને ખ્યાલ આવ્યો કે, તિજોરીમાં રાખેલી રોકડ 2 લાખ રૂપિયાની રકમ પણ ભૂલથી ફૂલો સાથે જ થેલીમાં ચાલી ગઈ હતી અને કેનાલમાં પધરાવી દેવામાં આવી હતી. આ બાબતની જાણ થતા પરિવારજનો ચિંતામાં મુકાઈ ગયા હતા અને તરત જ ફાયર કંટ્રોલ રૂમમાં જાણ કરી હતી. જાણ થતાં જ ડુંભાલ ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ હતી.

ફાયર બ્રિગેડના માર્શલોએ કેનાલમાં ઉતરીને પાણીમાં ડુબકી મારી શોધખોળ શરૂ કરી હતી. પાણીના પ્રવાહ વચ્ચે પણ ટીમે ધીરજ રાખીને સર્ચ ઓપરેશન ચાલુ રાખ્યું હતું. થોડા સમયની મહેનત બાદ તેમને 500 રૂપિયાની નોટના ચાર બંડલ મળી આવ્યા હતા, જે કુલ મળીને 2 લાખ રૂપિયા હતા. શોધી કાઢેલી આ રોકડ રકમ ફાયર બ્રિગેડની ટીમે લિંબા પરિવારને સલામત રીતે પરત આપી હતી. જોકે, આ શોધખોળ દરમિયાન ફાયરબ્રિગેડના બે જવાનોને કાચ લાગતા ઈજાગ્રસ્ત થયા હતા. પરિવારના સભ્યોએ આ મુશ્કેલ સમયમાં મદદ માટે ડુંભાલ ફાયર બ્રિગેડના સ્ટાફનો આભાર વ્યક્ત કર્યો હતો અને તેમની કામગીરીને બિરદાવી હતી.

Exit mobile version