Site icon hindtv.in

સુરતના જહાંગીરપુરામાં લૂંટ અને મારપીટનો ગુનો દાખલ

સુરતના જહાંગીરપુરામાં લૂંટ અને મારપીટનો ગુનો દાખલ
Spread the love

સુરતના જહાંગીરપુરામાં લૂંટ અને મારપીટનો ગુનો દાખલ
ગ્રિન્ડર ડેટિંગ એપ્લિકેશન દ્વારા મિત્રતા કરી યુવકને અવાવરું જગ્યાએ બોલાવ્યો
બંધક બનાવી, મારપીટ કરી 30 હજાર રૂપિયાની લૂંટ ચલાવી

સુરતના જહાંગીરપુરામાં ગ્રિન્ડર ડેટિંગ એપ્લિકેશન દ્વારા મિત્રતા કરી યુવકને બોલાવી અવાવરું ખેતરમાં બંધક બનાવી, મારપીટ કરી 30 હજાર રૂપિયાની લૂંટ ચલાવનાર આરોપીઓને જહાંગીરપુરા પોલીસે ઝડપી પાડ્યા હતાં.

જહાંગીરપુરા પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ મૂળ અમરેલીના અને હાલ જહાંગીરપુરાના સુમન વંદન આવાસમાં રહેતા પીડિત યુવકની મુલાકાત ડેટિંગ એપ્લિકેશન પર રાજુભાઈ મેર અને નરેશ મારુ સાથે થઈ હતી. આરોપીઓએ યુવકને વિશ્વાસમાં લઈ રિવાન્ટા વર્ણી પાસે રૂબરૂ મળવા બોલાવ્યો હતો. ત્યાંથી એક શખ્સ તેને પોતાની મોટર સાયકલ પર બેસાડી ઘોડા ગરનાળા ફાટક પાસે આવેલી એક અવાવરૂ જગ્યાએ લઈ ગયો હતો, જ્યાં અન્ય સાગરીત અગાઉથી જ હાજર હતો. ખેતરમાં પહોંચતા જ બંને શખ્સોએ યુવક પર હુમલો કરી તેને ઢોર માર માર્યો હતો. આરોપીઓએ યુવકને સામાજિક રીતે બદનામ કરવાની ધાક-ધમકી આપી તેને ડરાવી દીધો હતો. આ ભય હેઠળ યુવક પાસેથી તેનું એટીએમ કાર્ડ અને પીન નંબર બળજબરીથી કઢાવી લેવામાં આવ્યા હતા. ત્યારબાદ લૂંટારુઓએ યુવકના બેન્ક ખાતામાંથી 30,000 રૂપિયા ઉપાડી લીધા હતા. જો કે ભયમુક્ત થયા બાદ યુવકે જહાંગીરપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગહલોત, સંયુક્ત પોલીસ કમિશનર મહેન્દ્ર બગડીયા, નાયબ પોલીસ કમિશનર લખધિરસિંહ ઝાલા અને મદદનીશ પોલીસ કમિશનરની સુચનાને લઈ જહાંગીરપુરા પોલીસે તપાસ હાથ ધરી છાપરાભાઠા તાડવાડી વિસ્તારના રાજુભાઈ ભનુભાઈ મેર અને નરેશ સાજનભાઈ મારુ વિરુદ્ધ લૂંટ અને મારપીટનો ગુનો દાખલ કરી બન્નેને ગણતરીના સમયમાં જ ઝડપી પાડી સળીયા પાછળ ધકેલી દીધા હતાં.

Exit mobile version