સુરત હજીરા-પલસાણા હાઈવે પર 6 વાહનો વચ્ચે સળંગ અકસ્માત
સચિન ગભેણી ચોકડી નજીક રાહદારીને બચાવવા બ્રેક મારતા અકસ્માત સર્જાયો
સદનસીબે અકસ્માતમાં કોઈ જાનહાનિ નહીં,
સુરતના હજીરા-પલસાણા હાઈવે પર સચિન ગભેણી ચોકડી નજીક ગંભીર અકસ્માત સર્જાયો હતો. જેમાં એક રાહદારીને બચાવવા આગળ જઈ રહેલા વાહને અચાનક બ્રેક મારતા પાછળ આવી રહેલા વાહનો એક બાદ એક અથડાયા હતાં. આ અકસ્માતમાં 6 વાહનો વચ્ચે સળંગ ટક્કર થઈ હતી. જોકે સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી.
સુરતના સચિન ગભેણી ચોકડી પાસે હાઈવે પર અચાનક સર્જાયેલી આ ઘટનાથી અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. રસ્તા પરથી પસાર થઈ રહેલા એક રાહદારીને બચાવવા માટે આગળના વાહને અચાનક બ્રેક મારી હતી. જેના કારણે પાછળ આવી રહેલા વાહનોને બ્રેક મારવાનો પૂરતો સમય ન મળતા એક પછી એક વાહનો અથડાયા હતા. આ અકસ્માતમાં 3 કાર અને 3 ટ્રક વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી. જેમાં એક બાદ એક વાહનો અથડાતા હાઈવે પર અકસ્માતનું ગંભીર દ્રશ્ય સર્જાયું હતું. જોકે આટલો મોટો અકસ્માત સર્જાયો હોવા છતાં સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી.

