Site icon hindtv.in

વડોદરામાં 15 વર્ષની બાળકીની સયાજી હોસ્પિટલમાં સફળ સર્જરી

વડોદરામાં 15 વર્ષની બાળકીની સયાજી હોસ્પિટલમાં સફળ સર્જરી
Spread the love

વડોદરામાં 15 વર્ષની બાળકીની સયાજી હોસ્પિટલમાં સફળ સર્જરી
મુંબઈથી વડોદરા આવેલી બાળકી હિજાબની પિન ગળી હતી
બ્રોન્કોસ્કોપી સર્જરી દ્વારા પિન કાઢી નાખતા જીવ બચ્યો

વડોદરાની સયાજી હોસ્પિટલમાં માતા-પિતા માટે ફરી એકવાર લાલબત્તી સમાન કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. મુંબઇથી સંબંધીઓને મળવા આવેલી 15 વર્ષીય કિશોરીએ હિજાબમાં લગાવવાની 4 mmની તિક્ષ્ણ પિન ગળી ગઈ હતી અને તેનો જીવ જોખમમાં મુકાયો હતો. જોકે, સમયસર હોસ્પિટલ પહોંચવાથી બ્રોન્કોસ્કોપી સર્જરી દ્વારા પિન કાઢી નાખતા બાળકીનો જીવ બચ્યો હતો. એક કલાકની ભારે જહેમત બાદ કિશોરીના ગળામાંથી પિન બહાર કાઢવામાં આવી હતી

વડોદરા સયાજી હોસ્પિટલના ઇએનટી વિભાગના સહ પ્રાધ્યાપક ડો. રાહુલ ગુપ્તાએ જણાવ્યું હતું કે, આ બાળકી મુંબઇથી વડોદરામાં સંબંધીઓને મળવા આવી હતી. અહીં હિજાબમાં પિન લગાવતી વખતે તેણે પિન મોઢામાં રાખી હતી. અચાનક બોલવા જતા પિન ગળામાં ઉતરી ગઈ હતી અને ફેફસામાં અટવાઈ જતા તીવ્ર ખાંસી શરૂ થઈ હતી. જોકે, ઘટના બન્યાના માત્ર બે-ત્રણ કલાકમાં જ કિશોરી હોસ્પિટલમાં પહોંચી ગઈ હતી. તપાસ બાદ એક્સ-રેમાં જાણવા મળ્યું કે, પિન શ્વાસનળીમાં વિભાજનના ભાગે ડાબી તરફના નીચેના ફેફસામાં અટવાઈ ગઈ હતી. તાત્કાલિક એનેસ્થેશિયા નિષ્ણાંતની મદદથી ઓપરેશન થિયેટરમાં લઈ જવામાં આવી અને બ્રોન્કોસ્કોપી દ્વારા લગભગ 45 મિનિટથી એક કલાકની પ્રક્રિયામાં કોઈ ચીરો પાડ્યા વગર પિન કાઢી લેવામાં આવી હતી.

ખાસ કરીને ત્રણથી પાંચ વર્ષના બાળકોમાં શ્વાસનળી અને અન્નનળી વચ્ચેનું સંકલન પૂર્ણ વિકસિત ન હોવાથી ખાતા સમયે આમલીના બીજ, સીતાફળના બીજ કે ચણાના દાણા જેવી વસ્તુઓ શ્વાસનળીમાં જતી રહે છે. નાના બાળકોની શ્વાસનળી અત્યંત સાંકડી હોવાથી આવી વસ્તુઓથી એક ફેફસુ પૂરેપુરું બંધ થઈ જવાનું જોખમ રહે છે. પિન, સિક્કા, બટન સેલ જેવી શાર્પ કે નાની વસ્તુઓ બાળકોની પહોંચથી દૂર રાખવી જોઇએ. કારણ કે, શ્વાસનળીમાં ફસાવાથી તે જીવલેણ સાબિત થઈ શકે છે. સયાજી હોસ્પિટલમાં આવી જટિલ બ્રોન્કોસ્કોપી પ્રક્રિયા માટે તમામ સુવિધા ઉપલબ્ધ છે અને અહીં આ પ્રક્રિયા મફતમાં કરવામાં આવી હતી. જે બહારની ખાનગી હોસ્પિટલમાં 60થી 70 હજાર રૂપિયા સુધીનો ખર્ચ થાય છે…..કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી

Exit mobile version