સુરતની લાજપોર જેલમાં આરોપીની છાતીમાં દુઃખાવો
નવસારી રૂરલમાં આરોપી સામે પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધાયો
સુરતની લાજપોર જેલમાં પાકા કામના કેદી તરીકે રહેતો
સુરતની લાજપોર જેલમાં સજા કાપી રહેલા બળાત્કારી આરોપી અચાનક જ છાતીમાં દુઃખાવો ઉપડ્યા બાદ પડી જતા હોસ્પિટલે ખસેડાયો હતો જ્યાં તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો.
મૂળ નવસારીના ધારાગીરી વિસ્તારના મુસ્લિમ ફળિયામાં રહેતા મૃતક આરોપી સદામ હુસેન ઉર્ફે ઇરફાન અબ્દુલ અઝીઝ રાયણી સામે વર્ષ 2021 માં 12 વર્ષની બાળકીને લગ્નની લાલચ આપી, લલચાવી, ફોસલાવી તેમજ ફરિયાદીના કાયદેસરના વાલીપણામાંથી ભગાડી લઈ જઈ તેની સાથે અવારનવાર શારીરિક સંબંધ બાધી ગુનો કર્યાની ફરિયાદ નોંધાઈ હતી. નવસારી રૂરલ પોલીસ સ્ટેશનમાં આરોપી સામે પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધાયો હતો. નવસારી કોર્ટમાં આ કેસ ચાલતા સરકારી વકીલે રજૂ કરેલા પુરાવા અને બાળકીની જુબાનીના આધારે આરોપી સદામ હુસેનને દોષિત જાહેર કર્યો હતો. કોર્ટે 5 જૂન 2023ના રોજ આરોપીને આજીવન કેદની સજા અને રૂપિયા 30 હજારના દંડની સજા ફટકારી હતી.
આ ચુકાદા બાદ આરોપી સુરતની લાજપોર જેલમાં પાકા કામના કેદી તરીકે રહેતો હતો. જોકે, 14 ડિસેમ્બર 2025 રવિવારના રોજ સવારે 11 વાગ્યા આસપાસ જેલની દૈનિક કાર્યવાહી ચાલી રહી હતી. તે દરમિયાન અચાનક સદામ હુસેનને છાતી અને ખભાના ભાગે અસહ્ય દુ:ખાવો ઉપડ્યો હતો. તેની હાલત જોઇ અન્ય કેદી અને જેલ સ્ટાફ દોડતો થઈ ગયો હતો. અને હોસ્પિટલે ખસેડ્યો હતો જ્યાં તેનુ મોત નિપજ્યુ હતું. હાલ તો આ મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
