સુરતમાં મુસ્લિમોએ કલેકટરને આવેદન પત્ર આપી
મદરસાઓ વિરુદ્ધ કરવામાં આવેલા ખોટા આરોપોનો વિરોધ કર્યો
સુરતમાં મદરેસાઓ બંધ કરાવવા અપાયેલા આવેદનના વિરોધમાં મુસ્લિમોએ કલેકટરને આવેદન પત્ર આપી મદરસાઓ વિરુદ્ધ કરવામાં આવેલા ખોટા આરોપોનો વિરોધ કર્યો હતો.
સુરત કલેકટરને અપાયેલા આવેદન પત્રમાં જણાવાયુ હતું કે વર્તમાન સમયમાં મદરસાઓ વિશે એવો ખોટો પ્રચાર કરવામાં આવી રહ્યો છે કે ત્યાં કટ્ટરવાદ અને આતંકવાદની તાલીમ આપવામાં આવે છે. આ આરોપ સંપૂર્ણપણે મિથ્યા અને નિરાધાર છે. જો કે મદરેસાઓનો દેશની આઝાદીમાં યોગદાન છે. મદરસાઓમાંથી શિક્ષિત થયેલા વિદ્વાનોએ દેશની આઝાદી માટે સર્વદા અગ્રણી ભૂમિકા નિભાવી છે. દારુલ ઉલૂમ દેવબંદ તો ખાસ કરીને અંગ્રેજોની ગુલામીમાંથી દેશને મુક્ત કરવા માટે જ સ્થાપિત થયું હતું. અન્ય મદરસાઓ તેની જ સીધી અથવા પરોક્ષ શાખાઓ છે. હજારો ઉલેમાઓએ દેશ માટે પોતાનો જીવન, સંપત્તિ અને બલિદાન આપ્યું છે. આથી જ મદરસાઓને દેશપ્રેમ અને બલિદાનની શાળા તરીકે ઓળખવામાં આવે છે. હાલમાં ઉત્તરાખંડ સરકારે તાજેતરમાં 30 મદરસાઓ પરથી પ્રતિબંધ હટાવ્યો હતો કારણ કે કોર્ટમાં સાબિત થયું કે મદરસાઓ પર લગાવવામાં આવેલા બધા આરોપ ખોટા હતા. આ ઘટના સાબિત કરે છે કે મદરસાઓ વિરુદ્ધ ચલાવવામાં આવતા પ્રચારનો હકીકત સાથે કોઈ સંબંધ નથી. અને ભારતના સંવિધાનની કલમ ૨૫, ૨૬, ૨૯ અને ૩૦ હેઠળ દરેક નાગરિકને પોતાના ધર્મનું પાલન કરવાનો, ધાર્મિક શિક્ષણ આપવાનો અને પોતાની શૈક્ષણિક સંસ્થાઓ ચલાવવાની સંપૂર્ણ સ્વતંત્રતા છે. મદરસાઓ આ જ અધિકાર હેઠળ શિક્ષણ આપે છે. અહીં માત્ર ધાર્મિક જ્ઞાન જ નહી, પરંતુ નૈતિકતા, સત્ય, ઈમાનદારી અને દેશપ્રેમની શિક્ષા પણ આપવામાં આવે છે. જ્યારે મદરસાઓ સરકાર પાસેથી કોઈ ગ્રાન્ટ કે સહાયતા લેતા નથી. તેઓ સમાજના સહકાર અને દાનથી ચાલે છે. તેથી મદરસાઓ દેશની આર્થિક વ્યવસ્થા પર ભારણ નથી. અમે દરેક દેશવાસીને આમંત્રણ આપીએ છીએ કે તેઓ આવીને મદરસાઓનું નિરીક્ષણ કરે. અમારી સવારની પાળી સવારે ૭ થી ૧૧ વાગ્યા સુધી અને બપોરની પાળી બપોરે ૨:૩૦ થી ૪:૩૦ વાગ્યા સુધી ચાલે છે. તો ઘણાં શાળાઓમાં શિક્ષકો પર હુમલા થયા છે, વિદ્યાર્થીઓ વચ્ચે હિંસા જોવા મળી છે. પરંતુ મદરસાઓમાં આવી કોઈ ઘટના બની નથી. મદરસાઓનો મુખ્ય હેતુ બાળકોને ધાર્મિક શિક્ષણ આપવાનો, સારા સંસ્કાર આપવાનો, નૈતિક મૂલ્યો વિકસાવવાનો અને સમાજમાં શાંતિ તથા ભાઈચારો સ્થાપિત કરવાનો છે. અહીં વિદ્યાર્થીઓને સમાજપ્રેમ, દેશભક્તિ, માનવસેવા અને શિક્ષણ દ્વારા સારા નાગરિક તરીકે ઘડવામાં આવે છે. વધુમાં દેશની સીઆઈડી, ઈન્ટેલિજન્સ અને અન્ય ગુપ્તચર એજન્સીઓ મદરસાઓની સતત દેખરેખ રાખે છે. આજ સુધી કોઈ પણ મદરસામાંથી હથિયાર કે ગેરકાયદેસર પ્રવૃત્તિ પકડાઈ નથી. મદરસાઓના દરવાજા હંમેશા ખુલ્લા રહે છે અને સી.સી.ટી.વી.કેમેરા લગાવવામાં આવ્યા છે. કોઈપણ અધિકારી કે નાગરિક આવીને જાતે નિરીક્ષણ કરી શકે છે. જેથી કલેક્ટરને વિનંતી કરાઈ હતી કે મદરસાઓ વિરુદ્ધ કરવામાં આવતા ખોટા પ્રચારને રોકવામાં આવે., મદરસાઓના સાચા હકીકતો અને યોગદાનને સમાજ સુધી પહોંચાડવામાં આવે.
