નવસારી બીલીમોરામાં 70મી SGFI રાજ્યકક્ષાની હેન્ડબોલ સ્પર્ધાનો પ્રારંભ
સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત અને જિલ્લા રમતગમત કચેરીના સંયુક્ત ઉપક્રમે ભવ્ય આયોજન
નવસારી જિલ્લાના બીલીમોરા ખાતે સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત અને નવસારી જિલ્લા રમતગમત અધિકારીની કચેરીના સંયુક્ત ઉપક્રમે 70મી અખિલ ભારતીય શાળાકીય (SGFI) રાજ્યકક્ષાની હેન્ડબોલ સ્પર્ધાનો ભવ્ય પ્રારંભ કરવામાં આવ્યો હતો. બી.વી.કે. મંડળ સંચાલિત વી.એસ. પટેલ આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજના મેદાન ખાતે યોજાયેલી સ્પર્ધાનો શુભારંભ નવસારી જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ અને જિલ્લા પંચાયત કારોબારી અધ્યક્ષ અમિતાબેન પટેલે દીપ પ્રાગટ્ય કરી કર્યો હતો.
હેન્ડબોલ એ વિશ્વની સૌથી ઝડપી અને રોમાંચક ઇન્ડોર રમતોમાંની એક છે, જે શારીરિક અને માનસિક વિકાસ બંને માટે વિશેષ મહત્વ ધરાવે છે. આ રમત માત્ર મનોરંજન પૂરતી મર્યાદિત નથી, પરંતુ ખેલાડીઓમાં અદભૂત ચપળતા, તાકાત અને ટીમ ભાવનાનો વિકાસ કરે છે. આ રાજ્યકક્ષાની હેન્ડબોલ સ્પર્ધામાં ગુજરાતના 35 જિલ્લાની ટીમોના ખેલાડીઓ ભાગ લઈ રહ્યા છે. આગામી 17 ઓક્ટોબર 2026 સુધી ચાલનારી આ સ્પર્ધામાં અંડર-17 અને અંડર-19 ભાઈઓ-બેહનોની સ્પર્ધા છે. રાજ્યના વિવિધ જિલ્લાઓમાંથી આવેલા પ્રતિભાશાળી ખેલાડીઓ હેન્ડબોલની રમતમાં પોતાનું કૌશલ્ય અને પ્રતિભા દર્શાવશે. ખેલાડીઓની સુરક્ષા અને આરોગ્યને ધ્યાનમાં રાખીને સ્પર્ધા સ્થળે વિશેષ મેડિકલ તેમજ ફિઝિયોથેરાપી ટીમ તૈનાત કરવામાં આવી છે. સ્પર્ધામાં શ્રેષ્ઠ પ્રદર્શન કરનારા પ્રતિભાશાળી ખેલાડીઓની પસંદગી આગામી શાળાકીય નેશનલ ગેમ્સમાં ગુજરાત રાજ્યનું પ્રતિનિધિત્વ કરવા માટે થશે. આજ રોજ પ્રારંભિક સમારોહમાં બીલીમોરા ચીફ ઓફિસર સંદીપભાઈ પટેલ, બીલીમોરા પાલિકા પ્રમુખ મનીષ પટેલ, નવસારી જિલ્લા રમતગમત અધિકારી અલ્પેશ પટેલ સહિત પદાધિકારીઓ, શિક્ષકો, રમતગમત ક્ષેત્રના અગ્રણીઓ અને મોટી સંખ્યામાં ખેલાડીઓ ઉપસ્થિત રહ્યા હતા.

