Site icon hindtv.in

જેતપુરના પીઠડીયામાં 70 ખેડૂતો રસ્તા વિના પરેશાન

જેતપુરના પીઠડીયામાં 70 ખેડૂતો રસ્તા વિના પરેશાન
Spread the love

જેતપુરના પીઠડીયામાં 70 ખેડૂતો રસ્તા વિના પરેશાન
2011 થી રેલવેનું 52 નંબરનું ફાટક બંધ
ડબલ ટ્રેકની કામગીરીથી નાળા નીચેથી જવાનો રસ્તો પણ બંધ

જેતપુર તાલુકાના પીઠડીયા ગામના ખેડૂતો અત્યારે રેલવે તંત્રની અણઆવડતનો ભોગ બની રહ્યા છે. વીરપુર અને જેતલસર વચ્ચેના રેલવે ટ્રેક પરનું ખુલ્લું ફાટક વર્ષ 2011 થી બંધ કરી દેવામાં આવ્યું છે, પરંતુ તેની સામે કોઈ વૈકલ્પિક રસ્તો આપવામાં આવ્યો નથી. અત્યાર સુધી ખેડૂતો પાણીના નાળા નીચેથી અવરજવર કરતા હતા, પરંતુ હવે ડબલ ટ્રેકની કામગીરી શરૂ થતાં તે રસ્તો પણ બંધ કરી દેવાયો છે. રવિ પાક અને કપાસની સિઝનમાં જ 70 જેટલા ખેડૂતો પોતાના ખેતરે જઈ શકતા ન હોવાથી ભારે રોષ જોવા મળી રહ્યો છે.

જેતપુર તાલુકાના પીઠડીયા ગામની સીમમાંથી પસાર થતા વીરપુર-જેતલસર રેલવે ટ્રેક પર આવેલું ફાટક નંબર 52 વર્ષ 2011 થી બંધ કરી દેવામાં આવ્યું છે. આ ફાટક બંધ કર્યા બાદ રેલવે તંત્ર દ્વારા ખેડૂતો માટે કોઈ અંડરપાસ કે ઓવરબ્રિજ બનાવવામાં આવ્યો નથી. પરિણામે રેલવે ટ્રેકની બીજી બાજુ જમીન ધરાવતા અંદાજે 60થી 70 ખેડૂતો છેલ્લા ઘણા વર્ષોથી પુલ નંબર ૭૦ના પાણીના નાળા નીચેથી જીવના જોખમે અવરજવર કરવા મજબૂર હતા. હાલમાં રેલવે દ્વારા ડબલ ટ્રેકની કામગીરી શરૂ કરવામાં આવતા આ એકમાત્ર ચાલવાનો રસ્તો પણ બંધ કરી દેવામાં આવ્યો છે. અત્યારે કપાસ અને રવિ પાકની સિઝન ચાલી રહી છે, ત્યારે ખેડૂતો ટ્રેક્ટર, મોટરસાયકલ કે હાર્વેસ્ટિંગ મશીનો લઈને વાડીએ કેવી રીતે જાય તે મોટો પ્રશ્ન ઊભો થયો છે. ગ્રામજનોએ તાત્કાલિક ઉકેલ નહીં આવે તો ગાંધી ચીંધ્યા માર્ગે સત્યાગ્રહ કરવાની ચીમકી ઉચ્ચારી છે.

વર્ષ 2022-23 થી આ પ્રશ્ને મામલતદાર, ડેપ્યુટી કલેક્ટર, કલેક્ટર, પૂર્વ સાંસદ રમેશભાઈ ધડુક તેમજ ભાવનગર પશ્ચિમ રેલવે ડિવિઝનના ડીઆરએમ (DRM) સુધી વારંવાર લેખિત અને મૌખિક રજૂઆતો કરવામાં આવી છે. તેમ છતાં આજદિન સુધી તંત્ર તરફથી કોઈ જ સંતોષકારક જવાબ કે ઉકેલ મળ્યો નથી. ખુલ્લું ફાટક નંબર ૫૨ બંધ કર્યા બાદ કોઈ વૈકલ્પિક રસ્તો મુકાયો નથી. 60 થી 70 ખેડૂતોએ પોતાના ખેતરે ડ્રિલિંગ કે હાર્વેસ્ટિંગ જેવા મોટા વાહનો અને માલસામાન કેવી રીતે લઈ જવા ? ખેડૂતોની એક જ માંગ છે કે સરકાર દ્વારા અહીં અંડરપાસ અથવા ઓવરબ્રિજ બનાવી આપવામાં આવે….કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી

Exit mobile version