સુરતમાં 6 હજાર કરોડનુ ફોરેક્સ કૌભાંડ ખુલ્યુ
2 હજાર કરોડની ઠગાઈની તપાસમાં 6 હજાર કરોડનું આંતરરાષ્ટ્રીય ફોરેક્સકાંડ ખુલ્યું
પ્રતિબંધિત એપ એમટી-5થી ચીટિંગ કરાઈ
સુરતની ઉધના પોલીસે ઝડપી પાડી આંતર રાષ્ટ્રીય ચીટીંગના ગુનામાં હવે વધુ એક ફોરેક્સ કાંડ ખુલ્યુ છે. જેમાં 6 હજાર કરોડનુ ફોરેક્સ કૌભાંડ ખુલ્યુ છે.
ઓનલાઇન ચીટિંગના 2 હજાર કરોડના સૌથી મોટા ઈન્ટરનેશનલ રેકેટની તપાસમાં ઉધના પોલીસે 6 હજાર કરોડનું આંતરરાષ્ટ્રીય ફોરેક્સ ટ્રેડિંગનું રેકેટ પકડી પાડયું છે. આ ટ્રેડિંગમાં કાપડના વેપારીને મહિને 5 ટકા કમિશન આપવાની લાલચ આપી ઠગ ટોળકીએ 39 લાખ પડાવ્યા હતા. વેપારીએ મિત ખોખરના કહેવાથી આ રકમ રોકી હતી. મિત હાલમાં 2 હજાર કરોડની ઓનલાઇન ચીટિંગમાં લાજપોર જેલમાં છે. જ્યારે મુખ્ય સૂત્રધારમાં વિશાલ સાંકળાસરીયા અને અંકુર પટેલ દુબઈમાં બેસી વેપલો કરી રહ્યા છે. અન્ય આરોપીમાં વિશાલ લીંબાણી, મિહીર શાહ અને પિયુષ કુકડીયા ફરાર છે. ટૂંકમાં આ રેકેટમાં 6 આરોપી છે. જે પૈકી મિતની ઉધના પોલીસ ટ્રાન્સફર વોરંટથી આગામી દિવસમાં ધરપકડ કરશે. વિશાલ મિતનો મામો છે. આ ટોળકીનો અમદાવાદનો વકીલ પણ શિકાર બન્યો છે. તેણે 70 લાખની રકમ ગુમાવી છે. ઉધના પીઆઈ દેસાઈએ જણાવ્યું કે મિત અને વિશાલે ફોરેક્સ ટ્રેડિંગમાં રોકાણ કરાવી મહિને 5 ટકા કમિશનની લાલચ આપી હતી. પછી પ્રતિબંધિત એપ્લિકેશન બનાવી જેનું નામ એમટી-5 છે. આ એપથી લોકોને રોકાણ કરાવતા હતા. જેમાં મિત એજન્ટ હતો. જ્યારે વિશાલે સુરત અને દુબઈમાં ઓફિસ ખોલી હતી. મિત લોકોને એપ્લિકેશનથી યુઝર આઈડી અને પાસવર્ડ આપી લિંક મોકલતો હતો. લોકોએ રોકાણ કરેલા રૂપિયા યુએસડીટીમાં એપ્લિકેશનમાં ખાતામાં દેખાતા હતા. પછી શેરની જેમ ભાવ ઉપર-નીચે થયા કરતા હતા. મહિને જ્યારે કમિશન આપવાનું આવે ત્યારે એપમાં કમિશન દેખાય પરંતુ વિડ્રોલ કરી શકાય નહીં. એટલે ટોળકી શરૂઆતમાં આંગડિયા મારફતે કમિશન આપતી. પોલીસે જણાવ્યું કે માત્ર મિત હસ્તક 200 ગ્રાહકો છે. જેમાં એકે ઓછામાં ઓછું 50 લાખનું રોકાણ કર્યું છે. આવા 200 ગ્રાહકો હોય તો આંકડો 6 હજાર કરોડને પાર થાય છે. આ વાત હજુ માત્ર મિતની છે, તેના મામા સહિત 5 આરોપીઓ છે. જેમના હસ્તક ઘણા લોકોએ કરોડોની રકમ ફોરેક્સમાં રોકાણ કરી હોવાની વાત છે. ઉધના પોલીસ 2 હજાર કરોડના ઓનલાઇન ચીટિંગમાં કિરાત અને મિતના મોબાઇલની ચેટ તપાસ કરતી હતી, જેમાં કિરાત મિત પાસે 1.72 કરોડની માગણી કરતો હતો, જેમાં તપાસ કરી તો કિરાત અને દિવ્યેશ પણ મિતના કહેવાથી ચીટિંગની 1.72 કરોડની રકમ ફોરેક્સ ટ્રેડિંગમાં રોકાણ કરી હતી, જેમાં આરોપી કિરાત અને દિવ્યેશના પણ રૂપિયા ચાંઉ કર્યા હતા. આથી બંને આરોપીઓ મિત પાસે રૂપિયાની માગણી કરતા હતા. આ વાત પોલીસના ધ્યાને આવી પછી પોલીસે સેબીમાંથી કેટલી એપ્લિકેશન પ્રતિબંધિત છે તેનું લિસ્ટ મંગાવ્યું હતું, જેમાં 180 એપ્લિકેશનો પ્રતિબંધિત હોવાનું સામે આવ્યું હતું, જેમાં એમટી-5નો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો.