ગાંધીનગર શહેરમાં વધુ 3 સર્કલ બનશે AI બેઝ્ડ.
હેપ્પીનેસ સર્કલ બાદ વધુ 3 જંક્શન પર લાગશે સ્માર્ટ સિસ્ટમ.
ટ્રાફિકના ભારણ મુજબ ઓટોમેટિક બદલાશે સિગ્નલ લાઈટ.
રાજ્યના પાટનગરને ખરા અર્થમાં ‘સ્માર્ટ સિટી’ બનાવવાની દિશામાં ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા એક ક્રાંતિકારી કદમ ઉઠાવવામાં આવ્યું છે.
ગાંધીનગર શહેરના ભાઈજીપુરા બ્રિજથી PDEU અને ગિફ્ટ સિટીને જોડતા આઇકોનિક માર્ગ પર આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) આધારિત અત્યાધુનિક ટ્રાફિક મેનેજમેન્ટ સિસ્ટમનો પ્રારંભ કરવામાં આવ્યો છે. મેટ્રો બ્રિજ નીચે આવેલા હેપ્પીનેસ સર્કલખાતે કાર્યરત આ સિસ્ટમ ગુજરાતની પ્રથમ હાઈ-ટેક ટ્રાફિક કંટ્રોલ સિસ્ટમ છે. સામાન્ય રીતે ટ્રાફિક સિગ્નલો ફિક્સ ટાઈમર પર ચાલતા હોય છે, જેના કારણે ટ્રાફિક ન હોય તો પણ વાહનચાલકોએ લાલ લાઈટ પર ઊભા રહેવું પડે છે. પરંતુ આ નવી AI સિસ્ટમ હાઈ-ટેક કેમેરા અને સેન્સર્સની મદદથી વાહનોની લાઈવ સંખ્યાનું નિરીક્ષણ કરે છે. જે રસ્તા પર ટ્રાફિક વધુ હોય ત્યાં આપમેળે ‘ગ્રીન લાઈટ’નો સમય વધારી દે છે અને ખાલી રસ્તા પર ‘રેડ લાઈટ’ કરી દે છે. આનાથી નાગરિકોનો કિંમતી સમય બચશે અને ઈંધણનો બગાડ અટકશે.
આ સિસ્ટમ માત્ર ટ્રાફિક હળવો કરવા પૂરતી સીમિત નથી, પરંતુ ટ્રાફિક શિસ્ત જાળવવામાં પણ પાયારૂપ સાબિત થશે. જો કોઈ વાહનચાલક સિગ્નલ તોડશે કે નિયમ ભંગ કરશે, તો સ્માર્ટ કેમેરા તુરંત જ તેને ડિટેક્ટ કરી લેશે. વીડિયો આઉટપુટ કંટ્રોલની મદદથી વાહન માલિકની ઓળખ કરી ઓટોમેટિક દંડનો મેમો સીધો જ તેમના ઘરે પહોંચાડી દેવામાં આવશે. આ વ્યવસ્થાથી પોલીસની ગેરહાજરીમાં પણ 24 કલાક સુરક્ષા અને નિયમન શક્ય બનશે. આ સિસ્ટમની સૌથી મોટી ખાસિયત એ છે કે, તે એમ્બ્યુલન્સ કે ફાયર બ્રિગેડ જેવા ઇમરજન્સી વાહનોને ઓળખી લે છે. જ્યારે આવા વાહનો સિગ્નલ પર આવશે, ત્યારે સિસ્ટમ તેને પ્રાધાન્ય આપીને આપમેળે ગ્રીન કોરિડોર પૂરો પાડશે, જેથી કિંમતી જિંદગીઓ બચાવી શકાય….કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી

