સુરતમાં હાઈ ક્વોલિટી ચરસ સાથે 3 આરોપીઓ ઝડપાયા
આરોપીઓ હિમાચલ પ્રદેશથી લાવ્યા હતા 137 ગ્રામ ચરસ
જહાંગીરપુરા ઓલપાડ રોડ પરથી આરોપીઓની ધરપકડ
સુરત શહેરમાંથી અવારનવાર નશાકારક પદાર્થ ઝડપાતા હોય છે. ત્યારે સુરત ક્રાઇમ બ્રાન્ચે હિમાચલ પ્રદેશથી હાઇક્વોલિટી ચરસ લઈને આવેલા જમીન દલાલ સહિત ત્રણ આરોપીની ધરપકડ કરી છે.
મળતી માહિતી પ્રમાણે સુરત ક્રાઇમ બ્રાન્ચે જહાંગીરપુરા ઓલપાડ રોડ પરથી હિમાચલ પ્રદેશથી હાઇક્વોલિટી ચરસ લઈને આવેલા આરોપીઓને ઝડપી પાડ્યા છે. સ્કોડા કારમાં આરોપીઓ આવી રહ્યા હતા. આ અંગેની બાતમી ક્રાઇમ બ્રાન્ચને મળી હતી. ત્યારે ક્રાઇમ બ્રાન્ચે જહાંગીરપુરા સ્થિત ચેકપોસ્ટ પાસે નાકાબંધી કરી આરોપીઓને ઝડપી પાડ્યા હતા. ક્રાઇમ બ્રાન્ચે આરોપીઓ પાસેથી 137 ગ્રામ હાઇક્વોલિટીનું ચરસ, મોબાઈલ, સ્કોડા કાર મળી કુલ 7.14 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આરોપી અનુપ બિસ્ત તેના મિત્ર મયંક પટેલ અને જિગર વાંકાવાળાની ધરપકડ કરવામાં આવી છે. આરોપીઓ દર બે મહિને ટ્રિપ મારતા હતા. હિમાચલના કસોલ ખાતેથી નેપાળી વ્યક્તિ પાસેથી ચરસની ખરીદી કરતા હતા.
સુરત પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે, અનુપનો ભાઈ આકાશ બિસ્ત પણ વર્ષ 2024ના નવેમ્બર માસમાં દિલ્હી પોલીસના હાથે ઝડપાયો હતો. 1.300 કિલોગ્રામ ચરસ સાથે તેના ભાઈની ધરપકડ કરવામાં આવી હતી. હાલ ઝડપાયેલા આરોપીઓ સાથે અનુપની પત્નીની પણ પૂછપરછ કરવામાં આવી છે. ત્રણેય જોડે તે મનાલી ફરવા ગઈ હતી. જ્યાં ડ્રગ્સ અંગે તેને કોઈ જાણકારી ન હોવાનું સામે આવ્યું છે. ત્યારે આ સમગ્ર મામલે ક્રાઇમ બ્રાન્ચે વધુ તપાસ હાથ ધરી છે….કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી
