પલસાણામાં 1.94 કરોડના એલ્યુમિનિયમ જથ્થા સાથે ટ્રેલર સગેવગે
ટ્રક ડ્રાઈવર-ક્લીનરે માલિક સાથે કર્યો વિશ્વાસઘાત
સુરત ગ્રામ્ય પોલીસની સંયુક્ત કાર્યવાહીમાં પાંચ આરોપી ઝડપાયા
ટેકનિકલ સર્વેલન્સ અને સીસીટીવીના આધારે પોલીસે ઉકેલ્યો કેસ
સુરત જિલ્લાના પલસાણા તાલુકામાંથી પસાર થતા ભારતમાલા એક્સપ્રેસ-વે પર ટ્રકના ડ્રાઈવર અને ક્લીનરે માલિક સાથે વિશ્વાસઘાત કરી આશરે 1 કરોડ 94 લાખ રૂપિયાના એલ્યુમિનિયમના જથ્થા સાથે ટ્રેલર સગેવગે કરી દેવાના ચકચારી કેસનો સુરત ગ્રામ્ય પોલીસે ભેદ ઉકેલી કાઢ્યો છે. સુરત ગ્રામ્ય એલસીબી અને પલસાણા પોલીસની સંયુક્ત ટીમે ટેકનિકલ સર્વેલન્સ, સીસીટીવી ફૂટેજ અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે તપાસ હાથ ધરી પાંચ આરોપીઓને ઝડપી પાડ્યા છે.પોલીસે આરોપીઓ પાસેથી 15,730 કિલોગ્રામ એલ્યુમિનિયમની પ્લેટો, ગટ્ઠા અને પાવડર સહિત ટ્રેલર, રોકડ રકમ અને મોબાઇલ ફોન મળી કુલ 84 લાખ 46 હજાર 150 રૂપિયાનો મુદ્દામાલ રિકવર કર્યો છે. જોકે, ટ્રકના ડ્રાઈવર અને ક્લીનર સહિત અન્ય આરોપીઓ હજુ પણ પોલીસ પકડથી દૂર છે.
સમગ્ર બનાવની વિગત એવી છે કે, ગત 30 સપ્ટેમ્બર, 2026ના રોજ દિલ્હીથી મુંબઈ તરફ જઈ રહેલા ટ્રેલર નંબર GJ-36-V-5225માં એલ્યુમિનિયમનો જથ્થો ભરીને દાદરા નગર હવેલીના સેલવાસા ખાતે આવેલી ટ્રાન્સરેલ લાઇટિંગ લિમિટેડ કંપનીમાં પહોંચાડવાનો હતો. જોકે, પલસાણા તાલુકામાંથી પસાર થતા ભારતમાલા એક્સપ્રેસ-વે પર ટોલનાકાથી થોડે આગળ ટ્રેલરના ડ્રાઈવર અને ક્લીનરે કથિત રીતે માલિક સાથે વિશ્વાસઘાત કરી આશરે 40 ટન એલ્યુમિનિયમનો જથ્થો અને ટ્રેલર સગેવગે કરી દીધાં હતાં. એલ્યુમિનિયમના જથ્થાની કિંમત 1 કરોડ 84 લાખ 70 હજાર 740 રૂપિયા, જ્યારે ટ્રેલરની કિંમત 10 લાખ રૂપિયા મળી કુલ 1 કરોડ 94 લાખ 70 હજાર 740 રૂપિયાનો મુદ્દામાલ સગેવગે થતાં પલસાણા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો હતો.ગુનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને સુરત રેન્જના પોલીસ મહાનિરીક્ષક પ્રેમવીરસિંહ અને સુરત ગ્રામ્ય પોલીસ અધિક્ષક રાજેશ ગઢિયાના માર્ગદર્શન હેઠળ એલસીબી અને પલસાણા પોલીસની અલગ-અલગ ટીમો બનાવવામાં આવી હતી.પોલીસે સીસીટીવી ફૂટેજ, ટેકનિકલ સર્વેલન્સ અને બાતમીદારોની મદદથી તપાસ શરૂ કરી હતી. તપાસ દરમિયાન અમદાવાદ ગ્રામ્ય અને અમદાવાદ શહેરમાં રહેતા શંકાસ્પદ લોકો અંગે માહિતી મળી હતી.પોલીસે સૌપ્રથમ એલ્યુમિનિયમનો જથ્થો ખરીદનાર શીવલાલ ગુજ્જરને ઝડપી પાડ્યો હતો. તેની પૂછપરછ દરમિયાન તેણે પોતાના ભાઈ પ્રેમલાલ સાથે મળીને ટ્રેલરના ડ્રાઈવર અને ક્લીનર પાસેથી એલ્યુમિનિયમનો જથ્થો ખરીદ્યો હોવાની વિગતો સામે આવી હતી. ત્યારબાદ એલ્યુમિનિયમની પ્લેટો અલગ-અલગ લોકોને વેચવામાં આવી હોવાની માહિતીના આધારે પોલીસે તપાસનો વ્યાપ વધાર્યો હતો અને કુલ પાંચ આરોપીઓને ઝડપી પાડ્યા હતા.
પોલીસે આરોપીઓ પાસેથી 15,730 કિલોગ્રામ એલ્યુમિનિયમની પ્લેટો, ઘન સ્વરૂપના ગટ્ઠા અને પાવડર, જેની કિંમત 71 લાખ 57 હજાર 150 રૂપિયા થાય છે, તે જપ્ત કર્યા છે. આ ઉપરાંત 10 લાખ રૂપિયાનું ટ્રેલર, એલ્યુમિનિયમ વેચાણથી મેળવેલી 2 લાખ 50 હજાર રૂપિયાની રોકડ અને 39 હજાર રૂપિયાના પાંચ મોબાઇલ ફોન મળી કુલ 84 લાખ 46 હજાર 150 રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો છે. આ કેસમાં પોલીસે શીવલાલ ગુજ્જર, કિશનલાલ ગુજ્જર, રામેશ્વર ઉર્ફે રમેશ તૈલી, રેમત કુમાવત અને જીતુભાઈ ઉર્ફે પકો દેવીપૂજકની ધરપકડ કરી છે. જ્યારે ટ્રેલરના ડ્રાઈવર મોહમદ આસીદ મીરહુશેન, ક્લીનર આસીફઅલી કાલુખાન, પ્રેમલાલ ગુજ્જર સહિત અન્ય શંકાસ્પદ વ્યક્તિઓને શોધવા માટે પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે..

