બારડોલીની BABS હાઈસ્કૂલના 136 શિક્ષકો પગાર મુદ્દે હડતાળ પર
3000 વિદ્યાર્થીઓનું શિક્ષણ જોખમાયું
સુરત જિલ્લાના બારડોલીની પ્રતિષ્ઠિત BABS હાઈસ્કૂલમાં સંચાલકો વચ્ચેના આંતરિક વિવાદનો ભોગ નિર્દોષ શિક્ષકો અને વિદ્યાર્થીઓ બની રહ્યા છે. છેલ્લા ત્રણ મહિનાથી પગાર ન મળતા રોષે ભરાયેલા 136 શિક્ષકો અને કર્મચારીઓ આજથી હડતાળ પર ઉતર્યા છે. શાળાના મુખ્ય ગેટ પાસે એકત્રિત થઈને શિક્ષકોએ સૂત્રોચ્ચાર કર્યા હતા અને જ્યાં સુધી પગારની ચુકવણી નહીં થાય ત્યાં સુધી આંદોલન ચાલુ રાખવાની ચીમકી આપી છે.
શિક્ષકોએ મીડિયા સમક્ષ પોતાની વ્યથા ઠાલવતા જણાવ્યું હતું કે, તેઓ લાંબા સમયથી પગાર વગર નિષ્ઠાપૂર્વક ફરજ બજાવી રહ્યા છે, પરંતુ સંચાલક મંડળના બે જૂથો વચ્ચેની સત્તાની લડાઈને કારણે તેમનો હક્ક અટવાયો છે. શિક્ષકોનો આક્ષેપ છે કે ઓક્ટોબર મહિનાથી તેમનો PF (પ્રોવિડન્ટ ફંડ) પણ જમા થયો નથી. જો માર્ચ મહિના સુધીમાં આ રકમ જમા કરવામાં નહીં આવે, તો તેમને મોટું આર્થિક નુકસાન વેઠવાનો વારો આવશે. શિક્ષકોએ સ્પષ્ટ કર્યું હતું કે તેમને સંચાલકોના આંતરિક વિવાદ સાથે કોઈ નિસ્બત નથી, તેમની એકમાત્ર માંગ સમયસર પગાર મેળવવાની છે. આ હડતાળને કારણે શાળાનું શૈક્ષણિક કાર્ય સંપૂર્ણપણે ઠપ થઈ ગયું છે. વાર્ષિક પરીક્ષાઓ નજીક હોવા છતાં આશરે 3000 જેટલાવિદ્યાર્થીઓનો અભ્યાસ ખોરવાતા વાલીઓમાં પણ ચિંતાની લાગણી પ્રસરી છે. બંને સંચાલક મંડળો એકબીજા પર દોષારોપણ કરી રહ્યા છે, જેના કારણે કોઈ સંતોષકારક ઉકેલ આવી રહ્યો નથી. દરમિયાન, સોમવારના રોજ ચેરિટી કમિશનરની કચેરીના બે નિરીક્ષકોની ટીમે શાળાની મુલાકાત લીધી હતી.
ચૂંટણી સંબંધી સાહિત્યની ચકાસણી દરમિયાન સંચાલકોના બે જૂથો વચ્ચે મતભેદ સપાટી પર આવ્યા હતા. દેવર્ષી જોશી અને અજય અધ્વર્યુના જૂથે દસ્તાવેજો સોંપવાનો ઈનકાર કરતા જણાવ્યું હતું કે ચૂંટણી પ્રક્રિયા અગાઉ જ પૂર્ણ થઈ ગઈ છે. જ્યારે બીજી તરફ, હસુભાઈ પટેલ અને વ્યોમ પાઠકના જૂથે તપાસમાં સહકાર આપી તમામ જરૂરી કાગળો રજૂ કર્યા હતા.જોકે, દિવસભરના વિરોધ બાદ મોડી સાંજે એવી માહિતી મળી રહી છે કે સંચાલકોએ કર્મચારીઓના પગારની પ્રક્રિયા માટે તજવીજ હાથ ધરી છે. હવે જોવાનું એ રહે છે કે શિક્ષકોને તેમનો પગાર ક્યારે મળે છે અને શાળામાં શૈક્ષણિક કાર્ય ક્યારે રાબેતા મુજબ શરૂ થાય છે……

