સુરતના ખરવરનગર ચોકડી નજીક 108 એમ્બ્યુલન્સ અકસ્માતનો ભોગ બની
બીઆરટીએસ કોરિડોરમાં 108 એમ્બ્યુલન્સ અકસ્માતનો ભોગ બની
ડ્રાઈવરોનું નિયમિત આલ્કોહોલ ટેસ્ટિંગ અને મેડિકલ ચેકઅપ કરવાની માંગ
સુરતના ખરવરનગર ચોકડી નજીક બીઆરટીએસ કોરિડોરમાં 108 એમ્બ્યુલન્સ અકસ્માતનો ભોગ બની હતી. તાવગ્રસ્ત દર્દીને સિવિલ હોસ્પિટલ લઈ જતી વખતે સર્જાયેલા આ અકસ્માતમાં દર્દીને ગંભીર ઈજા પહોંચતા અન્ય 108 એમ્બ્યુલન્સ મારફતે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.
સુરતના ખરવરનગર ચોકડી પાસે બીઆરટીએસ કોરિડોરમાં દર્દીને લઈ જઈ રહેલી 108 એમ્બ્યુલન્સ અકસ્માતગ્રસ્ત બની હતી. તાવગ્રસ્ત દર્દીને સારવાર માટે સિવિલ હોસ્પિટલ લઈ જતી વખતે અકસ્માત સર્જાતા દર્દીને ગંભીર ઈજાઓ પહોંચી હતી. ઘટના બાદ તાત્કાલિક બીજી 108 એમ્બ્યુલન્સ બોલાવી દર્દીને સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો, જ્યાં ડોક્ટરોએ દર્દીની સ્થિતિ ગંભીર હોવાનું જણાવી સારવાર શરૂ કરી છે. આ ઘટનાને લઈને દર્દીના પરિવારજનોએ ગંભીર આક્ષેપો કર્યા છે. પરિવારનું કહેવું છે કે એમ્બ્યુલન્સનો ડ્રાઈવર નશાની હાલતમાં હોય એવું તેમને લાગતું હતું. જોકે, આ બાબતે હજુ સુધી કોઈ સત્તાવાર પુષ્ટિ થઈ નથી. પરિવારે તમામ 108 એમ્બ્યુલન્સ ડ્રાઈવરોનું નિયમિત આલ્કોહોલ ટેસ્ટિંગ અને મેડિકલ ચેકઅપ કરવાની માંગ કરી છે. સાથે જ દર્દીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને અનુભવી અને જવાબદાર ડ્રાઈવરોની નિમણૂક કરવાની પણ માંગ ઉઠાવી છે.

