આઝાદીના દાયકાઓ પછી પણ સાદડકુવા વિકાસથી વંચિત
બિસ્માર રસ્તાઓને લઈ ગ્રામજનોમાં ભારે રોષ
તાપી જિલ્લાના સોનગઢ તાલુકામાં આવેલું અને ઐતિહાસિક સોનગઢ કિલ્લાની તળેટીમાં વસેલું સાદડકુવા ગામ આજે પણ પાયાની સુવિધાઓ માટે વલખાં મારી રહ્યું છે. એક તરફ વિકાસના મોટા દાવાઓ કરવામાં આવે છે, ત્યારે બીજી તરફ આ ગામના બિસ્માર રસ્તાઓ વહીવટી તંત્રની ઉદાસીનતાની ચાડી ખાઈ રહ્યા છે.
જિલ્લા પંચાયત હસ્તકનો મુખ્ય માર્ગ માત્ર કાગળ પર જ હોય તેવું લાગે છે. રસ્તા પરના મોટા ખાડા, ધૂળ અને ચોમાસામાં જામતો કાદવ ગ્રામજનો માટે ‘નરક સમાન’ અનુભવ બની રહ્યો છે. વિકાસ માત્ર કાગળ પર છે સોનગઢ કિલ્લાની પાછળ હોવા છતાં આ વિસ્તારની ઉપેક્ષા પાયાના પ્રશ્નો ઉભા કરે છે. ચૂંટણી સમયે આપેલ વચનો માત્ર બોલવા માટે હતા એમ જણાઈ રહ્યું છે સ્થાનિકોનો આક્ષેપ છે કે સત્તાધારી પક્ષો અને પ્રતિનિધિઓ માત્ર ચૂંટણી સમયે જ દેખાય છે, ત્યારબાદ ગામના પ્રશ્નો અભેરાઈ પર ચડાવી દેવામાં આવે છે. પાંચ વર્ષથી સત્તા ભોગવતા જિલ્લા અને તાલુકા પંચાયતના સભ્યોએ ગામ માટે શું કર્યું? અમારે વચનો નહીં, જમીન પર કામ જોઈએ છે.”
સાદડકુવા ગામના લોકોએ મક્કમ નિર્ધાર કર્યો છે. અનેક રજૂઆતો છતાં પરિણામ શૂન્ય આવતા, હવે જો રસ્તાનું કામ તાત્કાલિક શરૂ કરવામાં નહીં આવે તો આગામી ચૂંટણીમાં ગ્રામજનો સત્તાધીશોને સબક શીખવાડવાના મૂડમાં છે.
રસ્તા ની ખરાબ હાલત ના લીધે બસ પણ આવતી બંધ થઈ છે ત્યારે સ્કૂલ, કોલેજ જતા બાળકો યુવા વર્ગ ને મોટી હાલાકી ભોગવવી પડી રહી છે સાથેજ દૂધ ડેરી એ જતા આવતા મુશ્કેલી પડી રહી છે ગ્રામ જનો ને ચોમાસામાં પાણી ભરાઈ રહે છે જેથી આવતા જતા લોકોને ખૂબ મોટી મુશ્કેલી પડી રહી છે હવે આવનાર ચોમાસામાં શું થશે ?એ જોવાની બાબત છે.અને હવે વહીવટી તંત્ર અને નેતાઓ માટે સાદડકુવા ગામનો રસ્તો માત્ર એક પ્રોજેક્ટ હોઈ શકે, પણ સ્થાનિકો માટે તે જીવાદોરી છે. હવે જોવાનું એ રહે છે કે આ ધારધાર વિરોધ બાદ તંત્રની ઊંઘ ઉડશે કે પછી ગ્રામજનો ફરી એકવાર વચનોના વમળમાં ફસાશે….

