સુરત એરપોર્ટ પરથી ફરી 1.68 કિલો હાઈબ્રીડ ગાંજો ઝડપાયો
બેંગકોકથી આવેલા મુસાફરને ડીઆરઆઈની ટીમે ઝડપી પાડ્યો
એર ઈન્ડિયા એક્સપ્રેસની ફ્લાઇટમાં મુસાફરની પાસે હતો ગાંજો
સુરત એરપોર્ટ પરથી ફરી 1.68 કિલો હાઈબ્રીડ ગાંજા સાથે બેંગકોકથી આવેલા મુસાફરને ડીઆરઆઈની ટીમે ઝડપી પાડી ગાંજો મંગાવનારાઓની શોધખોળ શરૂ કરી છે.
અમદાવાદ એરપોર્ટ પર કસ્ટમ વિભાગ સજાગતા અને સધન ચકાસણીના કારણે છેલ્લા કેટલાક સમયમાં અંદાજે 300 કરોડનો હાઇબ્રીડ ગાંજો ઝડપાયો હતો. એજન્સીઓની ધોંસના પગલે હવે પેડલરોએ એરપોર્ટ બદલ્યું હોય તેમ લાગે છે. આજે સુરત એરપોર્ટ પર બેંગકોકથી આવતા મુસાફરને ઝડપી લઈને તેની પાસેથી ડીઆરઆઇની ટીમે 1.68 કિલો હાઇબ્રીડ ગાંજાનો જથ્થો કબજે કર્યો છે. ડીઆરઆઇની ટીમને બાતમી મળી હતી કે એર ઈન્ડિયા એક્સપ્રેસની ફ્લાઇટમાં આવેલા એક મુસાફરની પાસે હાઇબ્રીડ ગાંજો છે. તેને અટકાવીને ડીઆરઆઈની ટીમે તપાસ કરતાં પ્રવાસી પાસેથી 24 વેક્યૂમ-પેક્ડ પારદર્શક પોલિથિન પેકેટ્સ મળ્યા હતા.આ તમામ પેકેટ્સમાં લીલા રંગનો પદાર્થ મળ્યો હતો, જેનું કુલ વજન 1.68 કિલોગ્રામ હતું. એફએસએલની ટીમ પાસે પદાર્થની ચકાસણી કરતા તે કેનાબિસ એટલે ક હાઇબ્રીડ ગાંજો હોવાની સાબિતી મળી હતી. પ્રતિબંધિત ગાંજો લઇને આવનાર મુસાફરની વધુ પૂછપરછ કરવામાં આવી હતી. પૂછપરછ દરમિયાન મુસાફરે સ્વીકાર્યું હતું કે ગુજરાતના ચોક્કસ ડ્રગ્સ સપ્લાયરો માટે બેંગકોકથી ગાંજો લાવતો હતો. જોકે તેણે કેટલી વખત ગાંજાની હેરાફેરી કરી છે તેની તપાસ ચાલી રહી છે.
