Site icon hindtv.in

સુરત સાયબર ક્રાઇમ બ્રાન્ચે ચાઇનીઝ ગેંગને ઝડપી

સુરત સાયબર ક્રાઇમ બ્રાન્ચે ચાઇનીઝ ગેંગને ઝડપી
Spread the love

સુરત સાયબર ક્રાઇમ બ્રાન્ચે ચાઇનીઝ ગેંગને ઝડપી
ઓનલાઈન ઇન્વેસ્ટમેન્ટ અને ડેટા એન્ટ્રી ફ્રોડના કેસમાં ચાઇનીઝ ગેંગ
યુએસડીટી મારફતે હેરાફેરી કરનારા અને બેંક એકાઉન્ટ ભાડે આપતા

સુરત સાયબર ક્રાઇમ બ્રાન્ચે ઓનલાઈન ઇન્વેસ્ટમેન્ટ અને ડેટા એન્ટ્રી ફ્રોડના કેસમાં ચાઇનીઝ ગેંગ સાથે જોડાઈ સાયબર ફ્રોડની રકમ યુએસડીટી મારફતે હેરાફેરી કરનારા અને બેંક એકાઉન્ટ ઉપલબ્ધ કરાવનારા આરોપીને ચેન્નાઈથી ઝડપી પાડવામાં આવ્યો છે.

સુરત સાયબર ક્રાઇમ બ્રાન્ચે સાયબર ફ્રોડ નેટવર્કમાં ચાઈનીઝ ગેંગ સાથે સંકળાયેલા ચેન્નાઈના લવલી ઉર્ફે સમીર ઉર્ફે રવિ નામના આરોપીની ધરપકડ કરી છે. પોલીસ તપાસમાં સામે આવ્યુ છે કે આરોપી અગાઉ ઝડપાયેલા આરોપીઓ પાસેથી 3 ટકા કમિશન પર બેંક એકાઉન્ટ મેળવતો અને 3.50 ટકા કમિશન પર આ એકાઉન્ટ ચાઇનીઝ ગેંગને આપતો હતો. દુબઈમાં રહીને ચાઇનીઝ ગેંગ સાથે મળીને સાયબર ફ્રોડની રકમ યુએસડીટી મારફતે હેરાફેરી કરવામાં પણ તેની ભૂમિકા હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે. આ કેસમાં ફરિયાદીને શેર માર્કેટમાં ડોલરનું રોકાણ કરવાથી વધુ વળતર મળશે તેવી લાલચ અપાઈ હતી. ત્યારબાદ બનાવટી વેબસાઇટની લિંક મોકલી તેમાં રજીસ્ટ્રેશન કરાવી અલગ અલગ બેંક એકાઉન્ટમાં કુલ 1 કરોડ 52 લાખ 63 હજાર 198 રૂપિયા ટ્રેડિંગ માટે ટ્રાન્સફર કરાયાં હતા. પોલીસ તપાસમાં આરોપીના 34 બેંક એકાઉન્ટ સામે આવ્યા છે. આ એકાઉન્ટના આધારે નેશનલ સાયબર ક્રાઇમ રિપોર્ટિંગ પોર્ટલ પર તપાસ કરતા અલગ અલગ રાજ્યોમાં કુલ 113 ફરિયાદો નોંધાયેલી હોવાનું સામે આવ્યું છે અને તેમાં કુલ 33 કરોડ 14 લાખ 76 હજાર 909 રૂપિયાની છેતરપિંડી થયાની વિગતો મળી છે.

આરોપી માત્ર ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડ પૂરતો જ સીમિત નહોતો. પોલીસના જણાવ્યા પ્રમાણે મુંબઈ, ઈન્દોર, પટના, અમદાવાદ, બેંગલોર અને ચેન્નાઈ સહિતના શહેરોમાં કોલ સેન્ટર ખોલી અલગ અલગ જોબ પ્લેટફોર્મ પરથી લાખો લોકોનો ડેટા મેળવતો હતો. આ ડેટાના આધારે લોકોને ઓનલાઇન ડેટા એન્ટ્રીની નોકરી આપવાની લાલચ આપવામાં આવતી અને શરૂઆતમાં 5 હજાર રૂપિયા લેવામાં આવતા અને ત્યારબાદ બોગસ એગ્રીમેન્ટ કરાવી ડેટા એન્ટ્રીમાં ચોક્સાઈ ન હોવાનું કહી પૈસા પરત ન આપીને 750થી વધુ લોકો પાસેથી આશરે 35 લાખ રૂપિયાથી વધુની છેતરપિંડી કરવામાં આવી હોવાનું તપાસમાં બહાર આવ્યું છે. સાયબર ક્રાઇમ પોલીસે આરોપી પાસેથી 14 મોબાઇલ, 3 લેપટોપ અને અલગ અલગ કંપનીના સિમકાર્ડના કવર સહિતનો મુદ્દામાલ કબજે કર્યો છે.

Exit mobile version