સુરત ભેસ્તાન પોલીસ સ્ટેશન ખાતે ઈદ-એ-મિલાદને લઈ મહત્વની બેઠક
શાંતિ સમિતિ અને જુલુસના આયોજકો સાથે પોલીસની બેઠક યોજાઈ
ડીસીપી અને પી.આઈ.સહિતના પોલીસ અધિકારીઓ બેઠકમાં હાજર રહ્યા
સુરતના ભેસ્તાન પોલીસ સ્ટેશન ખાતે આગામી ઈદ-એ-મિલાદના તહેવારને લઈ શાંતિ સમિતિ અને જુલુસના આયોજકો સાથે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. જેમાં ડીસીપી અને પીઆઈ સહિતના અધિકારોઓ હાજર રહ્યા હતાં અને જરૂરી સુચનો અપાયા હતાં.
આગામી ઈદ-એ-મિલાદના તહેવારને લઈ ભેસ્તાન પોલીસ સ્ટેશન ખાતે શાંતિ સમિતિના સભ્યો, ઈદ-એ-મિલાદ કમિટીના સભ્યો અને જુલુસના આયોજકો સાથે બેઠક યોજાઈ હતી. ડીસીપી ઝોન-6 રાજેશ પરમારની અધ્યક્ષતામાં તથા પીઆઈ એસબી દેસાઈની ઉપસ્થિતિમાં યોજાયેલી બેઠકમાં જુલુસના રૂટ અંગે ચર્ચા કરવામાં આવી હતી. આ સાથે જુલુસને સ્થાપના સ્થળેથી વહેલી તકે રવાના કરવા, ટ્રાફિક વ્યવસ્થા જાળવવા અને કાયદો-વ્યવસ્થા જળવાઈ રહે તે માટે જરૂરી સૂચનાઓ આપવામાં આવી હતી. કોઈપણ પ્રકારની અફવા કે ગેરસમજથી દૂર રહેવા તેમજ તહેવાર શાંતિપૂર્ણ રીતે ઉજવવા પોલીસ દ્વારા અપીલ કરવામાં આવી હતી. કોમી એકતા અને ભાઈચારાની ભાવના જળવાઈ રહે તે અંગે પણ આગેવાનોને માર્ગદર્શન આપવામાં આવ્યું. સાથે જ સુરત પોલીસ કમિશનરના જાહેરનામાનું ચુસ્તપણે પાલન કરવા સૂચના આપવામાં આવી હતી. તો બેઠકમાં આશરે 45 જેટલા આગેવાનો હાજર રહ્યા હતાં.
