સુરતમાં SRK ડાયમંડ કંપની પાસે ખંડણીની માગ
ગોવિંદભાઈ ધોળકિયાની કંપની પાસે 25 લાખની ખંડણીની માગ
19 ઓગસ્ટે અજાણ્યા નંબર પરથી ધમકીભર્યો ફોન
સુરતના કતારગામ વિસ્તારમાં જાણીતા હીરા ઉદ્યોગપતિ અને રાજ્યસભા સાંસદ ગોવિંદ ધોળકિયાની SRK ડાયમંડ કંપનીના યુવા સંચાલકોની સુરક્ષાના નામે 25 લાખ રૂપિયાની તોતિંગ ખંડણી માંગવાના હાઈપ્રોફાઈલ ષડયંત્રનો પોલીસે પર્દાફાશ કર્યો છે.
શેરબજારમાં 15 થી 20 લાખ રૂપિયાની ખોટ જતાં દેવું ચૂકવવાના ઇરાદે કંપનીના જ પૂર્વ કર્મચારીએ ભિક્ષુકના નામે સિમકાર્ડ લઈને ધમકીભર્યા ફોન કોલ્સ કર્યા હતા. જોકે, કતારગામ પોલીસે ટેક્નિકલ સર્વેલન્સ અને CDRના આધારે સુરેન્દ્રનગરના આરોપીને ઝડપી પાડી જેલના સળિયા પાછળ ધકેલી દીધો છે. કતારગામ વસ્તાદેવડી રોડ, કિરણ હોસ્પિટલની સામે આવેલી એસ.આર.કે. ડાયમંડ કંપનીની સિક્યોરિટી ઓફિસમાં ફરજ બજાવતા અને અડાજણ એલ.પી. સવાણી રોડ પર રહેતા 74 વર્ષીય રણજીતસિંહ ગગુભા જાડેજા પર અજાણ્યા નંબર પરથી ફોન આવ્યો હતો. ફોન કરનાર શખસે પોતાની ઓળખ દિનેશ ભાર્ગવ તરીકે આપી હતી. આરોપીએ અત્યંત રૌફભર્યા અવાજમાં ધમકી આપતાં જણાવ્યું હતું કે, એસ.આર.કે. કંપનીના યંગ જનરેશનની સલામતી જોઈતી હોય તો 25 લાખ રૂપિયા આપી દો. જો રૂપિયા નહીં આપો તો ટાર્ગેટ લોક થઈ જશે, પછી કોઈ અર્થ નહીં રહે અને તમને ભારે પડી જશે.
આ ધમકીભર્યા કોલ બાદ કંપની અને કર્મચારીઓમાં ભારે ફફડાટ વ્યાપી ગયો હતો. 19 ઓગસ્ટની સવારથી 20 ઓગસ્ટની બપોર સુધીના સમયગાળા દરમિયાન આ ધમકીભર્યા કોલ્સ કરવામાં આવ્યા હતા. આ સમગ્ર મામલે કંપની મેનેજમેન્ટ સાથે ચર્ચા-વિચારણા કર્યા બાદ આખરે સુરક્ષા કર્મચારી રણજીતસિંહ જાડેજાએ 22 ઓગસ્ટના રોજ રાતના સમયે કતારગામ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસની પૂછપરછમાં આરોપીએ જણાવ્યું હતું કે, તે એક વર્ષ અગાઉ એસ. આર.કે ડાયમંડ કંપનીમાં હીરાધસુ તરીકે કામ કરતો હતો અને 3 મહિના નોકરી કરી જાતે જ નીકળી ગયો હતો. હાલ તે શેર માર્કેટમાં પૈસા 15થી 20 લાખ રૂપિયા હારી જતાં થયેલું દેવુ ચુકવવા માટે તેણે આ શોર્ટકટ અપનાવ્યો. ભિક્ષુકના નામે સીમકાર્ડ લઈને તેણે ફોન કર્યો અને ખંડણીની માગણી કરી હતી….કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી
