ભાવનગરના કાળિયાબીડમાં મિલકત વિવાદમાં રેસ્ટોરન્ટમાં તોડફોડ
કૌટુંબિક ભાઈઓએ રેસ્ટોરન્ટમાં ઘૂસી કરી તોડફોડ
છેલ્લા 9 વર્ષથી ભાડા કરાર પર લીધેલા પ્લોટમાં બનાવી હતી રેસ્ટોરન્ટ
યુવકની ગેરહાજરીમાં સીસીટીવી કેમેરા, વાયરો અને રસોડાનાં સાધનોની તોડફોડ
તોડફોડ મામલે બંને કૌટુંબિક ભાઈઓ સામે પોલીસ ફરિયાદ નોંધાઈ
સુરત ખાતે રહેતા યુવકે ભાવનગરના કાળિયાબીડ વિસ્તારમાં તેના કૌટુંબિક ભાઈઓ પાસેથી છેલ્લા નવ વર્ષથી ભાડાકરાર પર મેળવેલા પ્લોટમાં રેસ્ટોરન્ટ શરૂ કરી હતી. દરમિયાન યુવકની ગેરહાજરીનો લાભ લઈ બંને ભાઈઓએ રેસ્ટોરન્ટમાં અંદર પ્રવેશી કર્મચારીઓ સાથે ઝપાઝપી કરી જાનથી મારી નાખવાની ધમકી આપી બન્ને એ રેસ્ટરોરન્ટમાં સીસીટીવી કેમેરા, વાયરો અને રસોડાના સાધનોમાં તોડફોડ કરી, ગેટને બહારથી તાળું મારી દીધું હતું. આ મામલે યુવકે તેના કૌટુંબિક ભાઈઓ વિરુદ્ધ નિલમબાગ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.
બનાવ અંગે જાણવા મળતી વિગતો અનુસાર, સુરત ખાતે રહેતા અને ભાવનગર શહેરના કાળિયાબીડમાં પનિહારી રેસ્ટોરન્ટના સંચાલક અક્ષયભાઈ ઘનશ્યામભાઈ સવાણી ઉ.વ 32 એ નિલમબાગ પોલીસ મથકમાં તેમના કૌટુંબિક ભાઈઓ ઉંમગ મનહરલાલ સવાણી અને ભરત મનહરલાલ સવાણી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી કે, તેઓએ છેલ્લા નવેક વર્ષથી તેમના કૌટીબીક ભાઈઓ પાસેથી કાળિયાબીડ વિસ્તારમાં જ્ઞાનમંજરી સ્કુલની બાજુમાં આવલે ખુલ્લા પ્લોટનો ભાડા કરાર પર મેળવી તે પ્લોટમાં ‘પનિહારી રેસ્ટોરન્ટ’ ચલાવે છે.જે મિલકત બાબતે સિવિલ મેટર ચાલી રહી છે.જેમાં તેઓ સુરત હોય તે દરમિયાન ગત તા.28 સપ્ટેમ્બરના રોજ વહેલી સવારે આશરે સાડા ત્રણેક વાગ્યાના અરસામાં રેસ્ટોરન્ટ બંધ કરીને અંદર તેમના કર્મચારીઓ સૂતા હતા, ત્યારે કૌટુંબિક ભાઈઓ ઉમંગ અને ભરત ત્યાં આવીને રેસ્ટોરન્ટના શટર પર પાટા માર્યા હતા અને ગાળો ભાંડી હતી. ત્યારબાદ બન્ને ભાઈઓએ દરવાજો ટપી અંદર પ્રવેશીને તેમના કર્મચારીઓ સાથે ઝપાઝપી કરી હતી અને દિલીપભાઈનો કાંઠલો પકડી જાનથી મારી નાખવાની ધમકી આપી બન્ને એ રેસ્ટોરન્ટના કર્મચારીઓ પાસેથી ફોન તેમજ ગેટની ચાવી પડાવી લઈ રેસ્ટોરન્ટમાં મુકેલા સી.સી.ટી.વી. કેમેરા, ઇલેક્ટ્રિક રૂમનું તાળું, વાયરો તેમજ રસોડામાં તોડફોડ કરી નુકસાન કરી. રેસ્ટોરન્ટના ગેટને બહારથી તાળું મારી દીધું હતું. જે ફરિયાદના અનુસંધાને પોલીસે બન્ને શખ્સ સામે BNS એક્ટ ની વિવધ કલમો હેઠળ ગુન્હો દાખલ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી

