તાપી જિલ્લાના નિઝરમાં શિવસેનાનો હલ્લાબોલ

Featured Video Play Icon
Spread the love

તાપી જિલ્લાના નિઝરમાં શિવસેનાનો હલ્લાબોલ
પ્રતિબંધિત વિમલ ગુટકાના ગેરકાયદે ગોડાઉન પર તાળાબંધી, મુખ્ય વેપારી ભૂગર્ભમાં

ગુજરાત અને મહારાષ્ટ્રની સરહદે આવેલા તાપી જિલ્લાના સરહદી મથક નિઝર ખાતે શિવસેનાના કાર્યકર્તાઓએ ગુટકાના ગેરકાયદે અને પ્રતિબંધિત કારોબાર સામે લાલ આંખ કરી છે, જેના પગલે સમગ્ર પંથકમાં ભારે ચકચાર મચી જવા પામી છે.

પ્રાપ્ત વિગતો અનુસાર, મહારાષ્ટ્ર રાજ્યમાં વિમલ ગુટકાના વેચાણ અને વપરાશ પર સંપૂર્ણ પ્રતિબંધ હોવા છતાં, સરહદની આડેધડ સ્થિતિનો લાભ લઈને નિઝર ખાતે ગુપ્ત રીતે વિશાળ ગોડાઉન ચલાવવામાં આવતું હતું. અહીંથી મોટા પ્રમાણમાં મહારાષ્ટ્ર અને ગુજરાતમાં જીએસટીના બિલ વગર ગેરકાયદેસર રીતે વિમલ ગુટકાની હેરાફેરી અને તસ્કરી કરવામાં આવતી હોવાની વ્યાપક ફરિયાદો ઉઠી હતી. આ ગેરકાયદે વેપારના કારણે યુવાધન કેન્સર જેવી જીવલેણ અને ગંભીર બીમારીઓનો ભોગ બની રહ્યું હોવાની આક્રમક રજૂઆત સાથે શિવસેનાના સ્થાનિક કાર્યકર્તાઓએ ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો. શિવસેનાના કાર્યકર્તાઓએ તાત્કાલિક ધોરણે આ ગેરકાયદે ગોડાઉન પર હલ્લાબોલ કરી દીધો હતો અને વિરોધ પ્રદર્શન કરીને ગોડાઉનનું સટર બળપૂર્વક બંધ કરાવી દીધું હતું. વર્ષોથી નિઝર વિસ્તારમાં વિમલ ગુટકાનો આ ગેરકાયદે કારોબાર ધમધમાવતો ‘હોલાસેટ’ નામનો મુખ્ય વેપારી શિવસેનાના આ આક્રમક તેવર અને સ્થાનિક રોષને જોઈને ગોડાઉનનું સટર તાત્કાલિક બંધ કરીને અજ્ઞાત સ્થળે ભાગી છૂટ્યો હતો અથવા તો ભૂગર્ભમાં ઉતરી ગયો હતો. સ્થાનિક રહીશો અને જાગૃત નાગરિકો દ્વારા આ મામલે વહીવટી તંત્ર સામે પણ અત્યંત ગંભીર સવાલો ઉઠાવવામાં આવ્યા છે. ગુજરાત અને મહારાષ્ટ્રની સરહદ અત્યંત સંવેદનશીલ હોવાથી અહીં પોલીસ અને સુરક્ષા એજન્સીઓનો ચુસ્ત બંદોબસ્ત રહેતો હોય છે. સામાન્ય રીતે આ સરહદ પર મુખ્યત્વે દારૂની હેરાફેરી અટકાવવા માટે પોલીસ સતત વોચ રાખતી હોય છે અને કડક તપાસ કરતી હોય છે, તો પછી આટલા મોટા પ્રમાણમાં ખુલ્લેઆમ ચાલતી ગુટકાની ગેરકાયદેસર તસ્કરી અને કરોડો રૂપિયાના વેપાર પર પોલીસ, ગુપ્તચર વિભાગ તેમજ જીએસટી તંત્રની નજર કેમ ન પડી ? તે એક મોટો અને તપાસનો વિષય બન્યો છે. જો સરહદ પર આટલો ચુસ્ત બંદોબસ્ત હોવા છતાં આટલી મોટી ગેરકાયદે પ્રવૃત્તિઓ બેરોકટોક ચાલતી હોય તો તે સુરક્ષા વ્યવસ્થાની કામગીરી સામે સીધા સવાલો ખડા કરે છે. શિવસેનાના આ ઉગ્ર વિરોધ અને હલ્લાબોલ બાદ હવે નિઝર પોલીસ અને સ્થાનિક વહીવટી તંત્ર હરકતમાં આવ્યું છે, ત્યારે આગામી સમયમાં આ ગેરકાયદે ગોડાઉન અને ટેક્સ ચોરી કરનાર વેપારીઓ સામે તંત્ર દ્વારા કેવા અને કેટલા કડક પગલાં લેવામાં આવે છે તે જોવું રહ્યું..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *